મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શુભમન ગિલને આંખો દેખાડનાર પાકિસ્તાની બોલર છે વિરાટનો ફેન, સોશિયલ મીડિયા પર કર્યા કિંગ કોહલીના વખાણ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત સામેની મેચમાં શુભમન ગિલને બોલ્ડ કરીને ચર્ચામાં આવેલા પાક

શુભમન ગિલને આંખો દેખાડનાર પાકિસ્તાની બોલર છે વિરાટનો ફેન, સોશિયલ મીડિયા પર કર્યા કિંગ કોહલીના વખાણ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત સામેની મેચમાં શુભમન ગિલને બોલ્ડ કરીને ચર્ચામાં આવેલા પાકિસ્તાની બોલર અબરાર અહેમદે હવે વિરાટ કોહલીના વખાણ કર્યા છે. ભારતમાં તો વિરાટ કોહલીના કરોડો ફેન્સ છે, પરંતુ તેનો ક્રેઝ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં પણ એવા ખેલાડીઓ છે જે વિરાટને પોતાનો આદર્શ માને છે.

અબરાર વિરાટનો ફેન છે

શુભમન ગિલને બોલ્ડ કર્યા બાદ તેણે આંખો દેખાડનાર પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદ પણ વિરાટ કોહલીનો ફેન છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. અબરાર અહેમદે વિરાટને પોતાના બાળપણનો હીરો ગણાવ્યો છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મારા બાળપણના હીરો વિરાટ કોહલીને બોલિંગ કરવી અને તેમની પાસેથી પ્રશંસા મેળવવી ખૂબ જ રોમાંચક હતી. તેઓ જેજેટલા મહાન ક્રિકેટર છે, તેટલા જ ઉદાર માણસ પણ છે. તે મેદાન પર અને મેદાનની બહાર પ્રેરણાસ્ત્રોત છે.' પાકિસ્તાન સામેની મેચ બાદ વિરાટ કોહલીએ અબરારની બોલિંગની પ્રશંસા કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં અબરારે શાનદાર બોલિંગ કરી હતી. અબરારે તેની 10 ઓવરની સ્પેલમાં માત્ર 2.80ની ઈકોનોમી સાથે 28 રન આપીને 1 વિકેટ લીધી. જોકે, તેની આ એક જ વિકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અબરાર શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચેની 69 રનની પાર્ટનરશિપને તોડી હતી. ગિલે 52 બોલનો સામનો કર્યો અને 46 રન બનાવ્યા હતા. તે અડધી સદી ચૂકી ગયો હતો.

કોહલીએ સદી ફટકારી હતી

મેચની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું અને સેમીફાઈનલની રેસમાંથી બહાર કરી દીધું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, ભારતીય ટીમે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. કોહલીએ 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો