મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આજના દિવસે જ પોતાના કટ્ટર હરીફને હરાવીને ભારતે જીત્યો હતો T20 વર્લ્ડ કપ, આ ખેલાડીઓ હતા જીતના હીરો

વર્ષ 2007, આ વર્ષે ICC એ પ્રથમ T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં ર

આજના દિવસે જ પોતાના કટ્ટર હરીફને હરાવીને ભારતે જીત્યો હતો T20 વર્લ્ડ કપ, આ ખેલાડીઓ હતા જીતના હીરો

વર્ષ 2007, આ વર્ષે ICC એ પ્રથમ T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં નવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં રમી રહી હતી. કોઈને અપેક્ષા નહોતી કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનશે, તે પણ એવા ફોર્મેટમાં જે તે ભાગ્યે જ રમે છે. પરંતુ ધોની અને ભારતીય ક્રિકેટના નસીબમાં કંઈક બીજું જ હતું. 17 વર્ષ પહેલા આજ દિવસે એટલે કે 24મી સપ્ટેમ્બર 2007ના રોજ ભારતે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો અને અહીંથી 'માહી યુગ'ની શરૂઆત થઈ હતી.

આ ટૂર્નામેન્ટની ફાઈનલ કોઈપણ ક્રિકેટ પ્રેમી માટે એક ડ્રીમ ફાઈનલ હતી કારણ કે આ ટાઈટલ મેચ બે કટ્ટર હરીફો વચ્ચે રમાઈ હતી. ભારત અને પાકિસ્તાનની ટીમો પ્રથમ ટાઈટલ માટે રમી રહી હતી. તે જોહાનિસબર્ગનું ન્યુ વાન્ડર્સ સ્ટેડિયમ હતું, જ્યાં ભારતે પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં હરાવ્યું હતું અને T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

24 વર્ષનો દુષ્કાળ ખતમ થયો હતો

ભારતે 24 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1983માં કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે, તે ODI વર્લ્ડ કપ હતો. તે સમયે T20ની શરૂઆત પણ ન હતી થઈ. કપિલ દેવની એ ઐતિહાસિક જીત બાદ ભારતે 24 વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

ફાઈનલ પહેલા મળ્યા હતા ખરાબ સમાચાર

ભારત માટે આ મેચ આસાન નહોતી. મેચના એક દિવસ પહેલા જ ભારતને ખરાબ સમાચાર મળ્યા હતા. ટીમનો ઓપનર વીરેન્દ્ર સેહવાગ ઈજાગ્રસ્ત થયો હતો અને ધોની સામે તેના રિપ્લેસમેન્ટની સમસ્યા ઉભી થઈ હતી. તેના સ્થાને યુસુફ પઠાણની પસંદગી કરવામાં આવી હતી. પઠાણે આ ટાઈટલ મેચથી T20Iમાં ડેબ્યુ કર્યું હતું. પઠાણે મોહમ્મદ આસિફની ઓવર સિક્સ ફટકારીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ પછી તેના જ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે આઉટ થઈ ગયો હતો. શોએબ મલિક મિડ-ઓફની પાછળ દોડતી વખતે તેનો કેચ પકડ્યો હતો. પઠાણે આઠ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા.

ગંભીરની શાનદાર ઈનિંગ

ભારતે બીજી વિકેટ રોબિન ઉથપ્પાના રૂપમાં ગુમાવી જે આઠ રન બનાવીને સોહેલ તનવીરનો શિકાર બન્યો હતો. ભારતની રનની ગતિ ઘણી ધીમી હતી. ટૂર્નામેન્ટનો સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ 19 બોલમાં માત્ર 14 રન બનાવીને ઉમર ગુલનો શિકાર બન્યો હતો. જોકે, ગંભીર એક છેડે ઊભો હતો અને એકલો પાકિસ્તાની બોલરોનો સામનો કરી રહ્યો હતો. યુવરાજ બાદ ગુલે છ રનના અંગત સ્કોર પર ધોનીને પણ આઉટ કર્યો હતો. 54 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી રમાયેલી 75 રનની ગંભીરની ઈનિંગનો પણ ગુલ દ્વારા 18મી ઓવરના છેલ્લા બોલે અંત આવ્યો હતો.

અંતમાં રોહિત શર્માએ 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 30 રન બનાવ્યા અને ભારતને 150 રનથી આગળ લઈ ગયો હતો. રોહિતની સાથે ઈરફાન પઠાણ ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો અને ભારતે પાંચ વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા.

શ્રીસંતનો ઐતિહાસિક કેચ

ભારતને વહેલી સફળતાની જરૂર હતી, જે આરપી સિંહે મોહમ્મદ હાફીઝને આઉટ કરીને મેળવી હતી. ઈમરાન નઝીર વિસ્ફોટક સ્ટાઇલથી બેટિંગ કરી રહ્યો હતો. ઉથપ્પાએ તેને રન આઉટ કરીને તેની ઈનિંગનો અંત લાવ્યો હતો. નઝીરે 14 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેની પહેલા આરપી સિંહે કામરાન અકમલને પેવેલિયન મોકલ્યો હતો. યુનિસ ખાન 24 રન બનાવીને પરત ફર્યો હતો. કેપ્ટન મલિકને ઈરફાન પઠાણે પોતાનો શિકાર બનાવ્યો હતો. શાહિદ આફ્રિદી પણ પઠાણનો શિકાર બન્યો હતો.

77 રનમાં છ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની હાર નિશ્ચિત જણાતી હતી પરંતુ મિસ્બાહ-ઉલ-હકે લડત ચાલુ રાખી હતી. તેણે હરભજન સિંહની એક ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારીને પાકિસ્તાનને મેચમાં પરત લાવ્યું. પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી અને ભારતને એક વિકેટની જરૂર હતી. ધોનીએ જોગીન્દર શર્માને બોલ આપ્યો હતો. પહેલો બોલ વાઈડ ફેંક્યા બાદ બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછી ત્રીજા બોલ પર મિસ્બાહે સ્કૂપ શોટ રમવાની ભૂલ કરી અને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા શ્રીસંતે તેનો કેચ પકડ્યો અને પાકિસ્તાનની છેલ્લી વિકેટ પડી, જેનાથી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

માહી યુગની શરૂઆત

ધોનીએ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી અને ખિતાબ જીત્યો. આ પછી ધોની વનડેમાં પણ ટીમનો કેપ્ટન બન્યો. ચાર વર્ષ બાદ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2013માં ધોનીની કપ્તાનીમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોની અત્યાર સુધી એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી છે.

આ સમાચાર શેર કરો