આવતા વર્ષે પણ કેએલ રાહુલ જ LSGનો કેપ્ટન બનશે! ટીમ માલિકને મળ્યા, એક કલાકની મીટિંગમાં શું થયું?
IPL 2025 પહેલા BCCI મેગા ઓક્શનનું આયોજન કરવા જ

IPL 2025 પહેલા BCCI મેગા ઓક્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે. ઘણા ખેલાડીઓની ટીમ બદલાશે અને કેટલીક ફ્રેન્ચાઇઝીના કેપ્ટન પણ બદલાશે. આ યાદીમાં લખનૌ સુપર જાયન્ટ્સનું નામ પહેલું છે. માનવામાં આવી રહ્યું હતું કે, વર્તમાન કેપ્ટન કેએલ રાહુલે ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં જોડાઈ શકે છે. દરમિયાન, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, આ અફવાઓ પર પૂર્ણવિરામ લાવી શકે છે.
એક કલાક સુધી ચાલી મીટિંગ
IPL રિટેન્શનની અટકળો વચ્ચે, લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે સોમવારે ફ્રેન્ચાઇઝીની કોલકાતા ઓફિસની મુલાકાત લીધી. બંને વચ્ચેની મુલાકાત અલીપુરના જજ કોર્ટ રોડ પર ગોએન્કાની ઓફિસમાં લગભગ એક કલાક સુધી ચાલી હતી. 8મી મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ રાહુલ અને ગોએન્કા વચ્ચેના ઉગ્ર વિનિમય બાદ આ બેઠક બંને વચ્ચેની પહેલી ઔપચારિક વાતચીત હતી.
મીટિંગમાં શું વાત થઈ તે જણાવાયું નથી
રાહુલ અને ગોએન્કા વચ્ચેની ચર્ચાની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલોથી જાણવા મળ્યું છે કે, આ બેઠક ટીમની રચના અને રિટેન્શન અંગે હતી. લખનૌની ટીમ રાહુલને રિટેન કરે છે કે નહીં તે ટૂંક સમયમાં જ ખબર પડી જશે. જો ટીમના માલિક અને કેપ્ટન વચ્ચેની બેઠક સકારાત્મક રહેશે તો રાહુલ આવતા વર્ષે પણ લખનૌની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં રાહુલની વાપસી અંગેની અટકળો માત્ર અફવા જ રહી છે. આઈપીએલમાં શું થશે તે કોઈ કહી શકતું નથી. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ જશે અને કેપ્ટન પણ બનશે એવી કોઈને અપેક્ષા નહોતી.
BCCIએ રિટેન્શન અંગેના નિયમો જાહેર કર્યા નથી
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી ઓફિશિયલ રિટેન્શન પોલિસીની જાહેરાત કરી નથી. તે સ્પષ્ટ નથી કે, દરેક ટીમને કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી હશે. આ સિવાય, રાઈટ ટુ મેચ (RTM) વિકલ્પ એ અન્ય એક પરિબળ છે જે રિટેન્શન અંગે ફ્રેન્ચાઈઝીના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.
LSGમાં થઈ શકે છે ઝહીર ખાનની એન્ટ્રી
લખનૌ સુપર જાયન્ટ્સે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને મેન્ટર તરીકે લાવવાની યોજના બનાવી છે. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરની મેન્ટર તરીકે નિમણૂક ટૂંક સમયમાં જ નિશ્ચિત થવાની અપેક્ષા છે. ઝહીર ટીમમાં જસ્ટિન લેંગર સાથે કામ કરશે. તે મુખ્ય કોચની ભૂમિકા ચાલુ રાખશે. ગૌતમ ગંભીરના ગયા બાદ લખનૌમાં મેન્ટરની જગ્યા ખાલી છે.








