જેમ્સ એન્ડરસને ફેરવેલ ટેસ્ટ પહેલા આપ્યું ભાવુક નિવેદન, કહ્યું- 'મારું સંપૂર્ણ ધ્યાન...'
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન 10 જુલાઈથી લોર્ડ્સમાં શરૂ થનારી ટેસ્ટ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન 10 જુલાઈથી લોર્ડ્સમાં શરૂ થનારી ટેસ્ટ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 10 જુલાઈથી લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટ રમાશે. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે અને તે તેની છેલ્લી ટેસ્ટમાં શેન વોર્નનો રેકોર્ડ તોડવાનું લક્ષ્ય રાખશે.
ફેરવેલ ટેસ્ટ વિશે વાત કરતા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે કહ્યું કે, તે પોતાનું સંપૂર્ણ ધ્યાન વધુ સારી બોલિંગ પર કેન્દ્રિત કરી રહ્યો છે. એન્ડરસને એમ પણ કહ્યું કે, જ્યારે તે ક્રિકેટને વિદાય આપે છે ત્યારે તે પોતાની જાતને રડતા રોકવા માંગશે.
જેમ્સ એન્ડરસને શું કહ્યું
જેમ્સ એન્ડરસને લોર્ડ્સમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, તે તેની છેલ્લી મેચ માટે આરામદાયક અનુભવી રહ્યો છે અને મેચ વિશે વધારે વિચારી રહ્યો નથી. ફાસ્ટ બોલરે કહ્યું કે, તેનો હેતુ ટીમને જીતવામાં મદદ કરવાનો રહેશે કારણ કે તે જાણે છે કે મેચ બાદ લાગણીઓ બદલાઈ જશે.
મારું ધ્યાન આના પર રહેશેઃ એન્ડરસન
એન્ડરસને કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી મારી ટ્રેનીંગ સારી રીતે ચાલી રહી છે. હું રમત વિશે વધુ વિચારતો નથી. સારી બોલિંગ કરવી અને ટીમને મેચ જીતાડવી એ મારા માટે મોટી વાત હશે. મારું સંપૂર્ણ ધ્યાન આના જ પર છે. મને ખાતરી છે કે મેચ બાદ લાગણીઓ બદલાઈ જશે. તેથી હું મારી જાતને રડતા રોકવા પર ધ્યાન આપીશ.
કારકિર્દી પર ગર્વ: એન્ડરસન
41 વર્ષીય ફાસ્ટ બોલરે કહ્યું કે, તેને તેની કારકિર્દી પર ગર્વ છે અને તે તેની કારકિર્દીને હાઈ લેવલ પર સમાપ્ત કરવા માંગે છે. તેણે કહ્યું, "હું મારી 188મી ટેસ્ટ મેચ રમીશ અને મને તેના પર ગર્વ છે. હું મારી જાતને વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારી એક જ મેચ બાકી હોવા છતાં હું સખત ટ્રેનીંગ કરવાનો પ્રયત્ન કરું છું."
એન્ડરસનને નિવૃત્તિથી કોઈ સમસ્યા નથી
જેમ્સ એન્ડરસને કહ્યું કે, તેણે મે મહિનામાં નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. તેણે એમ પણ કહ્યું કે, તે આ નિર્ણયથી ખુશ' છે. ઈંગ્લિશ પેસરે કહ્યું કે, તેને નિવૃત્તિના નિર્ણય સામે કોઈ વાંધો નથી.
ફાસ્ટ બોલરે કહ્યું કે, "મારે એક સમયે તો રોકાવાનું જ હતું. થોડા મહિનામાં, મેં સ્વીકાર્યું કે નિવૃત્તિ લેવાનો સમય યોગ્ય છે. મને કોઈ ફરિયાદ નથી. મને કોઈ અફસોસ નથી. મેં લાંબા સમય સુધી ઈંગ્લેન્ડની સેવા કરી. મારા કરતા વધુ પ્રતિભાશાળી લોકો સાથે રમ્યો છું. પરંતુ ઈજાના કારણે તેમને ઘણી તકો મળી ન હતી."








