મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, મેજબાન ચીનને હરાવ્યું

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલમાં ચીનને 1-0થી હરાવ

ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, મેજબાન ચીનને હરાવ્યું

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલમાં ચીનને 1-0થી હરાવ્યું છે. આ મેચમાં શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. ત્યાર બાદ મેચ પુરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતીય હોકી ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ચીને પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે પહેલા જ ફાઈનલમાં હારી ગયું.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમના ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે ગોલ કરવાની તકો ઉભી કરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ભારતને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતીય હોકી ટીમ તેનો ફાયદો ન ઉઠાવી શક. બીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો. આ ક્વાર્ટરમાં ચીનના ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ખેલાડીઓને રોકી રાખ્યા. ત્રીજા ક્વાર્ટરમાં ચીને ગોલ કરવા માટે અનેક પ્રયાસ કર્યા, પરંતુ ભારતીય ગોલકીપર ક્રિષ્ના પાઠક સામે તેમાંથી એક પણ સફળ ન થયા.

ચોથા ક્વાર્ટરમાં કર્યો પહેલો ગોલ

મેચમાં ભારતનો એકમાત્ર ગોલ 51મી મિનિટે થયો હતો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો હતો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલીને શાનદાર ગોલ કર્યો હતો. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું.

ભારતે ક્યારે ખિતાબ જીત્યો?

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જેના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી. આજે (17 સપ્ટેમ્બર) ભારતે પાંચમી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે.

આ સમાચાર શેર કરો