ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટી-20 સિરીઝનો પ્રારંભ, આ ખેલાડીઓ પર રહેશે નજર
ઓસ્ટ્રેલિયા સામે 3-1થી ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-

ઓસ્ટ્રેલિયા સામે 3-1થી ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સિરીઝનો પ્રારંભ કરશે. ટી-20ની ભારતની ટીમમાં ત્રણ જ ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને ધ્રુવ જુરેલ એવા છે જેઓ 15 ખેલાડીઓની ભારતની ટેસ્ટ ટીમમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ હતા. આજે પ્રથમ ટી-20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં સાંજે 7 વાગ્યાથી રમાશે.
અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
ભારતની ટીમ સુર્યકુમાર યાદવના નેતૃત્ત્વમાં ઉતરશે. ઉલ્લેખનીય બાબત એ છે કે અક્ષર પટેલ વાઇસ કેપ્ટન રહેશે. સામાન્ય રીતે એવું મનાતું હોય તે સ્વાભાવિક છે કે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હોઇ શકે. અક્ષર પટેલે ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝમાં ભારતને વિજય અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પણ તેણે સાઉથ આફ્રિકા સામે 31 બોલમાં 47 રન કર્યા હતા. નવ મેચમાં કિંમતી 8 વિકેટ ઝડપી હતી. તે 3થી 7 કોઇ પણ ક્રમે બેટિંગ પણ કરી શકે છે.
સુર્યકુમારે મહત્તા વધારી
ભારત છેલ્લા વર્ષોમાં ટી-20ની લગભગ અલાયદી ટીમ બનાવવામાં સફળ થયું છે. સુર્યકુમાર યાદવ 2023ના વન ડે વર્લ્ડકપની ફાઇનલ પણ રમ્યો હતો પણ તેને અપાયેલ તક તે ઝડપી નહોતો શક્યો. તે જોતા તેને વન ડે ક્રિકેટની ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સ્થાન નથી અપાયું. હાલ તો એવું કહી શકાય કે પસંદગીકારો સુર્યકુમાર યાદવને ટી-20 ફોર્મેટનો સ્પેશ્યલ જ નહીં પણ કેપ્ટન રહે તેવો ક્રિકેટર માને છે. સુર્યકુમાર યાગવ કેપ્ટન્સીના ભાર વગર તેની આગવી વિસ્ફોટક બેટિંગ કરી શકે છે.
સેમસન માટે આશા
સુર્યકુમાર યાદવની જેમ જ તિલક વર્મા, અભિષેક શર્મા, રિન્કુ સિંઘ, સંજુ સેમસન સ્પેશ્યલ બેટ્સમેન છે. આ તમામ IPLને લીધે તેમની પ્રતિભા બહાર લાવી શક્યા છે. સંજુ સેમસનને વન ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન નથી મળ્યું. તે ટી-20 ઇન્ટરનેશનલમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે. રણજી ટ્રોફીમાં જોકે કેરલ ક્રિકેટ એસોસિએશને જ તેને પડતો મુક્યો હતો. સેમસનને ભવિષ્યમાં વન ડે ટીમમાં સ્થાન મેળવવાની આશા છે.
ઓલરાઉન્ડરોની ક્ષમતા
ભારત પાસે ફાસ્ટ બોલર અને સ્પિન ઓલરાઉન્ડરો પણ મેચ વીનર બની શકે તેવા સક્ષમ છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી ફાસ્ટર છે તો સ્પિનર ઓલરાઉન્ડરમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડી છે.
શમીની પરીક્ષા
ફાસ્ટ બોલરોમાં મોહમ્મદ શમી, અર્શદિપ સિંઘ સ્પેશ્યલ છે. તેઓ પણ બેટિંગ પ્રેક્ટિસ કરતા હોય છે કેમ કે ઘણી વખત તેઓન આખરી નિર્ણાયક ઓવરો રમવાની પણ આવી શકે તેમ છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ બોર્ડે ભારત સામે યોજાનારી T20I મેચ માટે ટીમની કરી જાહેરાત
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે આ ટી-20 શ્રેણી પરીક્ષા સમાન રહેશે કેમ કે 2023ના વન ડે વર્લ્ડકપ પછી તે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. 14 મહિના જેટલો સમય તેને ઇજા બાદ રીકવર થતા લાગ્યો. આ દરમિયાન શમી ઘરઆંગણામાં કેટલીક મેચ રમ્યો પણ હજુ તે ખરેખર એકધારી લાંબી કારકિર્દી માટે સજ્જ થઇ ગયો છે કે કેમ તે કહેવું વહેલું છે. શમીનો ચેમ્પિયન્સ ટ્રોફી માટે સમાવેશ કરાયો છે. 34 વર્ષીય શમીએ ઇજામાંથી મુક્તિ મેળવી બંગાળ તરફથી રણજી ટ્રોફી રમતા 7 વિકેટ ઝડપી હતી. બંગાળને સીઝનમાં પ્રથમ વિજય અપાવ્યો હતો.તે પછી ટી-20 સૈયદ મુશ્તાક અલી અને વિજય હઝારે ટ્રોફીમાં પણ મોહમ્મદ શમીએ સારૂ પ્રદર્શન કર્યું હતું.
ઇંગ્લેન્ડ સામે ટી-20 માટે ભારતીય ટીમ
સુર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંઘ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદિપ સિંઘ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ








