મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત-દક્ષિણ આફ્રિકા ફાઇનલ મેચમાં વરસાદ આવે તો કોને થશે ફાયદો? જાણો શું છે નિયમ

ભારત શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલ મેચ રમવા માટે

ભારત-દક્ષિણ આફ્રિકા ફાઇનલ મેચમાં વરસાદ આવે તો કોને થશે ફાયદો? જાણો શું છે નિયમ

ભારત શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલ મેચ રમવા માટે તૈયાર છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે. ભારતે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.

ભારતનો હાથ ઉપર

જો આપણે બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો, ટી-20 વર્લ્ડ કપમાં ભારતે 6 વખત દક્ષિણ આફ્રિકાનો સામનો કર્યો છે. જેમાંથી ભારતીય ટીમે ચાર મેચ જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ બે મેચ જીતી છે. તેમજ T20 ક્રિકેટમાં પણ ભારત દક્ષિણ આફ્રિકા કરતા આગળ છે. બંને વચ્ચે કુલ 26 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 14 અને પ્રોટિયાઝે 11માં જીત મેળવી છે જ્યારે એક મેચનું પરિણામ નહોતું આવ્યું. આવી સ્થિતિમાં ભારત ટાઈટલ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.

હવામાન કેવું રહેશે?

ગુયાનામાં રમાયેલી બીજી સેમિફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આવી સ્થિતિમાં, ફેન્સ ભારત અને દક્ષિણ આફ્રિકા મેચને લઈને ચિંતિત છે. હવામાન અહેવાલ અનુસાર, 29 જૂને બાર્બાડોસમાં વરસાદની સંભાવના 78 ટકા છે. મેચ સ્થાનિક સમય મુજબ સવારે 10:30 વાગ્યે (IST રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. સવારે 3થી 10 વાગ્યા સુધી વરસાદની સંભાવના 50 ટકા જેટલી છે. સાથે જ 11 વાગે વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે. જો આ મેચ શરૂ થાય છે તો પણ ભારે વરસાદને કારણે બંધ થવી નિશ્ચિત છે.

શું ભારત-દક્ષિણ આફ્રિકા મેચ માટે કોઈ રિઝર્વ ડે છે?

જો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને રમાનારી મેચ વરસાદને કારણે પ્રભાવિત થાય તો ICCએ વ્યવસ્થા કરી છે. બોર્ડે ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. બંને ટીમો બીજા દિવસે આ સ્થિતિમાં લડતી જોવા મળશે. જોકે, જો આ મેચ રિઝર્વ ડે પર પણ ન યોજાય તો સુપર ઓવર દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવશે. જો વરસાદના કારણે સુપર ઓવર પણ ન થાય, તો બંને ટીમોને T20 વર્લ્ડ કપ 2024ની સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

પિચ રિપોર્ટ શું કહે છે?

કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર બોલ અને બેટ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. આ મેદાન પર ફાસ્ટ બોલરોને બાઉન્સ સાથે સ્વિંગ કરવાનો મોકો મળે છે. સ્પિનરો મિડિલ ઓવરોમાં બેટ્સમેનોને ઘણી મુશ્કેલીમાં મૂકે છે. આ પીચ પર પહેલી દાવનો સરેરાશ સ્કોર 153 રન છે. આ મેદાન પર કુલ 32 T20 મેચ રમાઈ છે. જેમાંથી પહેલા બેટિંગ કરનાર ટીમે 19 મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 11 મેચ જીતી છે. બે મેચનું પરિણામ નહોતું આવ્યું. આ મેદાન પર ટોસ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ફાઇનલ મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે/સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબરાઈઝ શમ્સી.

આ સમાચાર શેર કરો