હાર્દિક ICC રેન્કિંગમાં બન્યો નંબર વન, T20 વર્લ્ડ કપ 2024માં પંડ્યાનો શાનદાર દેખાવ
હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે સાથે ICC રેન્કિંગમાં પણ નંબર વન બન્યો છે.

હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે સાથે ICC રેન્કિંગમાં પણ નંબર વન બન્યો છે. ભારતના ઓલરાઉન્ડર પંડ્યાએ ICC રેન્કિંગમાં પ્રથમ વખત ઓલરાઉન્ડરમાં નંબર 1નો તાજ મેળવ્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાના શાનદાર દેખાવને પગલે ICC મેન્સ T20I રેન્કિંગ અપડેટમાં નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. આઈસીસીની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યા બે સ્થાનની છલાંગ લગાવી છે. હાર્દિક પંડ્યા શ્રીલંકાના સ્ટાર વનિન્દુ હસરંગા સાથે ટોપનો T20I ઓલરાઉન્ડર બની ગયો છે.
હાર્દિકે ફાઈનલમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરની મહત્વની વિકેટ લઈને આખી મેચ બદલી નાંખી હતી. એક સમયે ભારતના હાથમાંથી બાજી ગઈ હતી પરંતુ હાર્દિક પંડ્યાએ કમાલ કરતા દક્ષિણ આફ્રિકા સામે ભારતની 7 રને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડ કપમાં પણ બેટ અને બોલ એમ બંનેથી મહત્ત્વનનું યોગદાન આપતા આ કેટેગરીમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
હાર્દિકે અંતિમ ઓવર ફેંકી હતી
હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી અને તે 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં છેલ્લી ઓવર ફેંકી હતી, આ ઓવરમાં આફ્રિકાની ટીમને જીતવા માટે 16 રનની જરૂર હતી, પરંતુ પંડ્યાએ બે વિકેટ લેવા સાથે માત્ર 8 રન આપ્યા હતા. મેચ જીત્યા બાદ પંડ્યા ભાવુક થઈને મેદાન પર જ રડી પડ્યો હતો. હાર્દિકના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, ICC દ્વારા અપડેટ કરાયેલા T20I ઓલરાઉન્ડર રેન્કિંગના ટોપ 10માં ઘણા ફેરફારો થયા છે. માર્કસ સ્ટોઇનિસ, સિકંદર રઝા, શાકિબ અલ હસન અને લિયામ લિવિંગસ્ટોન એક સ્થાન ઉપર પહોંચી ગયા છે. જ્યારે મોહમ્મદ નબી ચાર નંબર નીચે સરકીને ટોપ 5માંથી બહાર થઈ ગયો છે. T20I બોલિંગ રેન્કિંગમાં એનરિક નોર્કિયે 7 નંબર આગળ વધીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા સ્થાને પહોંચી ગયો છે, જેણે ટોચના ક્રમાંકિત આદિલ રશીદને 675 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાછળ છોડી રાખી દીધો છે.
પંડ્યાના વર્લ્ડ કપ 2024ના આંકડા
પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા. હાર્દિકે 7.64ના ઇકોનોમી રેટથી બોલિંગ કરતા 8 મેચમાં 11 વિકેટ લીધી.
T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકની સફળતા
- હાર્દિકે ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે 27 રન આપીને 3 વિકેટ લીધી હતી.
- હાર્દિકે ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે 7 રન બનાવ્યા અને 24 રનમાં 2 વિકેટ લીધી હતી.
- હાર્દિકે ન્યૂયોર્કમાં અમેરિકા સામે 2 વિકેટ ઝડપી હતી
- હાર્દિકે અફઘાનિસ્તાન સામે 32 રનની ઇનિંગ રમી હતી.
- હાર્દિકે પહેલા તોફાની શૈલીમાં બાંગ્લાદેશ સામે 50* રન બનાવ્યા, પછી એક વિકેટ લીધી.
- હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે 27 રનની અણનમ ઇનિંગ રમી હતી.
- હાર્દિકે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 23 રન બનાવ્યા હતા.
- હાર્દિકે ફાઇનલમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.








