VIDEO: ભારતીય ટીમમાં આજથી ગંભીર સૂર્યા યુગનો આરંભ, જાણો BCCIએ શું કહ્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૭મી જુલાઈએ સાંજે ૭.૦૦ વાગ્યે શ્રીલંકાના પલ્લેકેલમાં ટી-૨૦ મૅચ શરૂ થશે એ

ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૭મી જુલાઈએ સાંજે ૭.૦૦ વાગ્યે શ્રીલંકાના પલ્લેકેલમાં ટી-૨૦ મૅચ શરૂ થશે એ સાથે ભારતીય ક્રિકેટમાં નવા સૂર્યનો ઉદય થયો કહેવાશે. આ સાથે કોચ ગંભીર અને સુકાની સૂર્યકુમાર ટી20માં નવા યુગની શરૂઆત કરવા જઈ રહી છે. ગૌતમ ગંભીર ઈન્ડિયન ટીમના કોચ તરીકે નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા જીત સાથે એક નવા યુગના મંડાણ કરશે. BCCIએ આનો એક વીડિયો શેર કર્યો છે.
સૂર્યકુમાર યાદવ છેલ્લા થોડા વર્ષોથી તેની ધૂંવાધાર બૅટિંગ માટે જાણીતો છે. આ સિવાય ટી-૨૦માં ઘણા અઠવાડિયા વર્લ્ડ નંબર-વન પર રહી ચૂક્યો છે. ૨૯મી જૂને બાર્બેડોઝમાં ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યાની ૨૦મી ઓવરમાં બાઉન્ડરી લાઇનને આરપાર જઈને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરનો અભૂતપૂર્વ કૅચ પકડીને ભારતને બહુમૂલ્ય ટ્રોફી અપાવી અને હવે તે ટી૨૦ ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બની ગયો.
પાલેકલ સ્ટેડિયમમાં અત્યાર સુધી 23 ટી20 મેચો રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમ 12 વખત અને બીજી બેટિંગ કરનારી ટીમ 9 મેચમાં વિજેતા રહી છે. બે મેચ ડ્રો રહી હતી. શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા ઓપનિંગમાં ગીલ અને જયસ્વાલ મેદાનમાં ઉતરી શકે છે. ત્રીજા નંબર પર પંત અને ચોથા નંબરે સુકાની સૂર્યા બેટિંગ કરી શકે છે. સૂર્યકુમાર ખાસ તો ૩૬૦ ડિગ્રી સ્ટાઇલની બેટિંગ માટે અનોખી કાબેલિયત માટે જાણીતો છે.
આ પછી રિંકુ સિંહ, શિવમ દૂબે, હાર્દિક પંડ્યા બાદ આઠમા નંબરે અક્ષર પટેલ બેટિંગ કરવા આવી શકે છે. બોલરોમાં રવિ બિશ્નોઈ, અર્શદીપ, મોહમ્મદ સિરાજ બોલર તરીકે પોતાની જવાબદારી સંભાળશે. ત્રણ ઓલરાઉન્ડર સાથે ભારત પાસે બોલિંગમાં પણ 6 વિકલ્પ રહેશે.
સૂર્યકુમારને આપણે અત્યાર સુધી ખાસ તો સુપર-ડુપર બેટિંગને લીધે જ ઓળખતા હતા, પણ મિલરનો વર્લ્ડ કપ વિનિંગ કેચ પકડીને તે ફીલ્ડિંગની કુશળતાને કારણે પણ કરોડો ક્રિકેટપ્રેમીઓનો લાડલો થઈ ગયો છે.
અજિત આગરકરના અધ્યક્ષ-સ્થાનમાં સિલેક્શન કમિટીએ હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, કેએલ રાહુલ વગેરેને બાજુ પર રાખીને સૂર્યકુમાર યાદવ પર ભરોસો રાખીને તેને ટી-૨૦ ટીમનું સુકાન સોંપ્યું છે. આશા રાખીએ એમાં તે સફળ થશે. જોકે આઇપીએલ પહેલાંની બે સિરીઝની વાત કરીએ તો તેના માટે ટી-૨૦નું સુકાન સફળતાથી સંભાળવું બહુ મુશ્કેલ નથી. કારણ સરળ છે. ડિસેમ્બર, ૨૦૨૩માં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝમાં ભારતે તેના સુકાનમાં સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકામાં સૂર્યકુમારના જ સુકાનમાં ભારતે બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી હતી.








