મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

લાઇવ મેચ દરમિયાન બેડમિન્ટન કોર્ટ પર જ યુવા ખેલાડીનું કરૂણ મોત, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં એક દુઃખદ

લાઇવ મેચ દરમિયાન બેડમિન્ટન કોર્ટ પર જ યુવા ખેલાડીનું કરૂણ મોત, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં એક દુઃખદ ઘટના બની છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચીન અને જાપાન વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં બેડમિન્ટન કોર્ટ પર ચીનનું પ્રતિનિધિત્વ ઝાંગ ઝીજીએ કર્યું હતું જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કાઝુમા કવાનાએ કર્યું હતું. મેચ દરમિયાન ચીનનો ખેલાડી કોર્ટ પર પડી ગયો અને તેનું મોત નીપજ્યું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા યુઝર્સ તેના મોત પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

ઝાંગ ઝીજીને બેડમિન્ટન કોર્ટ પર આવ્યો હાર્ટ એટેક

ઝાંગ ઝીજી રવિવારે મોડી સાંજે જાપાનના કાઝુમા કાવાના સામે સિંગલ્સ મેચમાં રમી રહ્યો હતો. પહેલી ગેમ 11-11 પર ચાલી રહી હતી ત્યારે અચાનક ઝાંગ જમીન પર પડી ગયો. મેદાન પર જ તેની સારવાર કરવામાં આવી અને પછી એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

બેડમિન્ટન એશિયા અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડોનેશિયા (PBSI) એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "ચાઈનાનો સિંગલ્સ ખેલાડી ઝાંગ ઝીજી રવિવારે સાંજે મેચ દરમિયાન કોર્ટ પર પડી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે રાત્રે 11:20 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું." ટૂર્નામેન્ટના ડૉક્ટર અને મેડિકલ ટીમે તેની સારવાર કરી અને બે મિનિટથી પણ ઓછા સમયમાં તેને હોસ્પિટલ લઈ ગયા. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "બેડમિન્ટન જગતે એક પ્રતિભાશાળી ખેલાડી ગુમાવ્યો છે." PBSIના પ્રવક્તા બ્રોટો હેપ્પીએ જણાવ્યું હતું કે, તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે ઝાંગને હાર્ટ એટેક આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવ્યો યુઝર્સનો ગુસ્સો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝાંગના પડ્યા પછી લગભગ 40 સેકન્ડનો વિરામ છે. પછી ડૉક્ટરો તેમની મદદ કરવા દોડે છે. વીડિયોમાં ઝાંગ પડી ગયા પછી મદદ કરવા દોડતો એક માણસ દેખાય છે, પરંતુ તે અટકી જાય છે અને આગળની સૂચનાઓ માટે કોર્ટની બહાર જોતો દેખાય છે.

પીબીએસઆઈના પ્રવક્તાએ બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મેડિકલ ટીમે એક નિયમનું પાલન કરવું પડે છે જે મુજબ તેમને કોર્ટમાં પ્રવેશતા પહેલા રેફરીની પરવાનગીની જરૂર છે. પરંતુ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર યુઝર્સમાં ગુસ્સો જોવા મળ્યો હતો, ઘણા લોકોએ આ નિયમની સખત નિંદા કરી હતી. હજારો લોકોએ લાઇક કરેલી એક ટિપ્પણીએ કહ્યું, "શું વધુ મહત્ત્વનું છે - નિયમો અથવા કોઈનું જીવન?"

આ સમાચાર શેર કરો