ટીમના તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ, વિકેટકીપરને પણ મળી વિકેટ, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
T20 ક્રિકેટમાં તમે ઘણીવાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા અને તૂટતા જ

T20 ક્રિકેટમાં તમે ઘણીવાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા અને તૂટતા જોયા હશે, પરંતુ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીની ટીમના 11 ખેલાડીઓએ બોલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મણિપુર સામેની આ મેચમાં દિલ્હીની ટીમે તમામ 11 ખેલાડીઓ પાસે બોલિંગ કરાવી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે. અગાઉ, T20ની એક ઈનિંગમાં સૌથી વધુ 9 બોલરોનો ઉપયોગ થયો હતો, પરંતુ હવે દિલ્હીએ કંઈક અદ્ભુત કર્યું છે.
આ પણ વાંચો: ભારત ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે કે પાકિસ્તાનની યજમાની છીનવાઈ જશે? આજે લેવાશે નિર્ણય
તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી
આ મેચમાં મણિપુરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર કંગબમ પ્રિયજીત સિંહ 0 રને આઉટ થયો હતો. આ પછી દિલ્હીના કેપ્ટન આયુષ બડોનીએ એવી રણનીતિ અપનાવી જે ખરેખર આશ્ચર્યજનક હતી. તેણે પોતાની ટીમના તમામ ખેલાડીઓ પાસે બોલિંગ કરાવી. આયુષ સિંહ સિવાય અખિલ ચૌધરી, હર્ષ ત્યાગી, દિગ્વેશ રાઠી, મયંક રાવતે બોલિંગ કરી હતી. આ પછી આયુષ બડોની વિકેટકીપિંગ છોડી અને પોતે બોલિંગ કરવા આવ્યો હતો. આ સિવાય આર્યન રાણા, હિંમત સિંહ, પ્રિયાંશ આર્ય, યશ ધૂલ અને અનુજ રાવતે પણ બોલિંગ કરી હતી.
દિલ્હીની ટીમના તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી, તેમ છતાં મણિપુરની ટીમ માત્ર 120 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી શ્રેષ્ઠ બોલિંગ દિગ્વેશ રાઠીએ કરી હતી, જેણે 8 રનમાં 2 વિકેટ લીધી હતી. હર્ષ ત્યાગીને પણ 2 વિકેટ અને કેપ્ટન આયુષ બડોનીને પણ એક વિકેટ મળી હતી. એક સમયે મણિપુરે 41 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અંતે રેક્સ રાજકુમારે 23 રન અને અહેમદ શાહે 32 રન બનાવ્યા હતા અને કોઈક રીતે ટીમ 120 રન સુધી પહોંચી ગઈ હતી.
દિલ્હીએ મેચ જીતી
દિલ્હીની ટીમ આ મેચ જીતી હતી પરંતુ મણિપુરે તેની હાલત ખરાબ કરી દીધી હતી. દિલ્હી માત્ર 9 બોલ પહેલા જીત્યું અને 6 વિકેટ પડી ગઈ હતી. દિલ્હી માટે માત્ર યશ ધુલે અણનમ 59 રન બનાવ્યા હતા. દિલ્હીના બાકીના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.






