ક્રિકેટર અજિંક્ય રહાણેએ આપ્યો મત, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો
લોકસભા ચૂંટણી 2024માં પાંચમા તબક્કાનું મતદાન આજે એટલે કે 20મી મેના રોજ થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં છ રાજ્ય

લોકસભા ચૂંટણી 2024માં પાંચમા તબક્કાનું મતદાન આજે એટલે કે 20મી મેના રોજ થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્રની 13 બેઠકોનો સમાવેશ થાય છે. ક્રિકેટર અજિંક્ય રહાણેએ મહારાષ્ટ્રના વોટિંગમાં ભાગ લીધો હતો. રહાણેએ સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરીને વોટ કરવાની અપીલ કરી છે.
રહાણે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ચેન્નાઈએ IPL 2024ની છેલ્લી મેચ શનિવારે, 19 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમી હતી. બેંગલુરુ સામેની મેચ હાર્યા બાદ ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમના એલિમિનેશન બાદ રહાણે પોતાના ઘરે પરત ફર્યો હતો, જ્યાં તેણે મતદાન કર્યું હતું.
રહાણેએ તેની પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. તસવીરમાં રહાણે અને તેની પત્નીની આંગળીઓ પર શાહી જોવા મળી હતી. આ તસવીરને કેપ્શન આપતા રહાણેએ લખ્યું, "અમે અમારી ફરજ બજાવી. શું તમે બજાવી?"
રહાણે માટે ખાસ ન રહી IPLની આ સિઝન
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા અજિંક્ય રહાણે માટે 2024ની IPL ખાસ ન હતી. તેણે 13 મેચમાં 20.17ની એવરેજ અને 123.47ની સ્ટ્રાઈક રેટથી 242 રન બનાવ્યા હતા. રહાણેએ એકપણ સદી કે અડધી સદી ફટકારી ન હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 45 રન હતો.
નોંધનીય છે કે રહાણેએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 185 IPL મેચ રમી છે. આ મેચોની 171 ઇનિંગ્સમાં તેણે 30.14ની એવરેજ અને 123.42ની સ્ટ્રાઇક રેટથી 4642 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 30 અડધી સદી ફટકારી હતી. રહાનનો સર્વોચ્ચ સ્કોર 105 રન હતો. તેણે 2008માં એટલે કે ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. રહાણેએ 478 ચોગ્ગા અને 103 છગ્ગા ફટકાર્યા છે.








