મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત 3 વર્ષમાં થયા 3842 ઓપરેશન, જેમાંથી 112 દર્દીઓએ ગુમાવ્યાં જીવ

Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાં

ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત 3 વર્ષમાં થયા 3842 ઓપરેશન, જેમાંથી 112 દર્દીઓએ ગુમાવ્યાં જીવ

Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં  અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-PMJAY હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

આરોપીઓ દ્વારા દર્દીઓની  સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતું, જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે. 

ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડીરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપાઇ હતી. ક્રાઇમબ્રાંચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા PMJAY  હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.  

PMJAY હેઠળ સારવાર લેનાર દર્દીઓ પૈકી 112 દર્દીઓના  ઓપરેશન કે સારવાર દરમિયાન અને સારવાર બાદ મોત

આ અંગે માહિતી આપતા અમદાવાદ ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં  1લી સપ્ટેમ્બર 2021થી  28 ઓક્ટબર 2024 દરમિયાન કુલ 8534 દર્દીઓએ સારવાર લીધી હતી,જે પૈકી 3842 દર્દીઓને PMJAY હેઠળ અલગ અલગ બિમારીની સારવાર આપવામાં આવી હતી અને PMJAY હેઠળ સારવાર લેનાર દર્દીઓ પૈકી 112 દર્દીઓના ઓપરેશન કે સારવાર દરમિયાન અને સારવાર બાદ મોત નીપજ્યા હતા. આ આંકડો ગંભીર છે. જેથી ક્રાઇમબ્રાંચની ટીમ અને મેડીકલ એક્સપર્ટની ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરીને તમામ મૃતક દર્દીઓના રિપોર્ટ, સારવાર સહિતની વિગતો તપાસવામાં આવશે.

PMJAY હેઠળ માત્ર નાણાં કમાવવાનો ઉદ્દેશ

ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફે નિવેદન આપ્યા હતા કે PMJAY હેઠળ માત્ર નાણાં કમાવવાનો ઉદ્દેશ હોવાથી ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવવામાં આવતી હતી. જેથી 112 દર્દીઓના મોત પણ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોવાથી આ મામલે ગંભીરતાથી તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે.

બીજી તરફ PMJAY યોજનાના અને બજાજ એલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત,  હોસ્પિટલને  નુકસાનમાં બતાવવા માટે ઓડિટ રિપોર્ટમાં ગોટાળા પણ કરાયા હતા, જે  દિશામાં પણ અનેક વિગતો સામે આવી છે.

આ સમાચાર શેર કરો