'તમે આ ખુરશી પર બેસવાને લાયક નથી...' સુપ્રીમ કોર્ટમાં ચાલુ સુનાવણી દરમિયાન વકીલે CJI સૂર્યકાંત પર કર્યા વ્યક્તિગત પ્રહાર

16 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટના એક કોર્ટરૂમમાં ભારે હંગામો જોવા મળ્યો હતો, જ્યારે એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ વ્યક્તિગત અને અભદ્ર ટિપ્પણી કરી હતી. તાત્કાલિક સુનાવણીની માંગ સાથે બેન્ચ સમક્ષ પહોંચેલા આ વકીલે CJI પર પ્રામાણિકતાના અભાવનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ સર્વોચ્ચ ન્યાયિક પદ પર બેસવાને લાયક નથી. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ વકીલને કોર્ટરૂમની બહાર કાઢી મૂક્યા હતા.
શા માટે વકીલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી?
15 દિવસથી જવાબ ન મળવાનો આક્ષેપ: વકીલે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ જણાવ્યું કે, તેમણે 2 નવેમ્બરે CJIની ઓફિસમાં એક મામલો રજૂ કર્યો હતો, પરંતુ 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. વકીલ પોતાની સામે ચાલી રહેલા અવમાનના કેસને લઈને પણ નારાજ હોવાનું મનાય છે. પ્રક્રિયા વિના રજૂઆત: બપોરે 2 વાગ્યે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના આ મુદ્દો ઉઠાવવા બદલ વકીલે માફી માંગી અને કાગળો તપાસવા આગ્રહ કર્યો. જસ્ટિસ મોહનાએ આ રીતે મુદ્દો ઉઠાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
કોર્ટરૂમમાં ઉગ્ર બોલાચાલી અને વ્યક્તિગત પ્રહાર
CJI સૂર્યકાંતે વકીલને શાંતિ રાખવા કહ્યું અને જણાવ્યું કે, અમે જોઈશું, તમે થોડી રાહ જુઓ. જોકે, વકીલે રાહ જોવાનો ઇનકાર કર્યો અને CJI પર વ્યક્તિગત પ્રહાર કરતા કહ્યું, 'ના, હું રાહ નહીં જોઉં. તમે તે ખુરશી પર બેસી શકો નહીં, તમે તેના લાયક નથી. તમારામાં તે માટેની પ્રામાણિકતા નથી!' વકીલે કહ્યું કે તે બેન્ચમાં સામેલ જસ્ટિસ બાગચી અને જસ્ટિસ મોહનાનું સન્માન કરે છે, પરંતુ CJI સૂર્યકાંતને આ પદ માટે યોગ્ય માનતા નથી. કોર્ટરૂમમાં હાજર અન્ય વકીલોએ પણ આ ગેરવર્તન બદલ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.











