UP ELECTION: બેઠકો મામલે સપા-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, અખિલેશે કરી મોટી માંગ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને INDIA ગઠબંધનના બે મુખ્ય પક્ષો સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે દબાણની રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીમાં કોંગ્રેસની રણનીતિક બેઠક અને પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં 5 સભ્યોની કમિટીની રચના બાદ હવે બંને પક્ષો વચ્ચે મંગળવારે પ્રથમ ઔપચારિક બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, આ બેઠક પહેલા જ કોંગ્રેસની 181 બેઠકોની ગુપ્ત યાદી સોશિયલ મીડિયા પર લીક થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે અને જવાબમાં સપાએ પણ ઉત્તરાખંડની 30 બેઠકો પર દાવો રજૂ કરી દીધો છે.
કોંગ્રેસે સપાને ગુપ્ત યાદી સોંપી!
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે રાજ્યની કુલ 403 વિધાનસભા બેઠકોમાંથી 57 જિલ્લાઓમાં ફેલાયેલી 181 બેઠકોની એક ગુપ્ત યાદી સપાને સોંપી હતી, જે સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ યાદીમાં કોંગ્રેસે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વાંચલ અને બુંદેલખંડ સહિતના મહત્વના વિસ્તારોની બેઠકો પર પોતાનો દાવો રજૂ કર્યો છે.
કોંગ્રેસની માંગ સામે સપાનો વળતો દાવ
રાજકીય સૂત્રોના મુજબ, યુપીમાં કોંગ્રેસની 181 બેઠકોની મોટી માંગ સામે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ વળતો દાવ રમ્યો છે. સપાએ કોંગ્રેસને જવાબ આપતા ઉત્તરાખંડ વિધાનસભાની 30 બેઠકો પર પોતાનો દાવો ઠોક્યો છે. સપા દ્વારા ઉત્તરાખંડ માટે તૈયાર કરાયેલી પ્રસ્તાવિત યાદીમાં સામાન્ય વર્ગ માટે 25, અનુસૂચિત જાતિ (SC) માટે 4 અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 1 બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગઠબંધનની એકતા પર મૂક્યો ભાર
સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, આરાધના મિશ્રા, ઈમરાન મસૂદ અને રાજેન્દ્ર પાલ ગૌતમ સહિતના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે સહયોગી પક્ષો સાથે બેઠકોની વહેંચણી સન્માનજનક રીતે થવી જોઈએ. બીજી તરફ, અખિલેશ યાદવે પણ કહ્યું કે હજુ સુધી બેઠકો પર કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી, પરંતુ INDIA ગઠબંધન સાથે મળીને જ ચૂંટણી લડશે અને તમામ પક્ષોનું સન્માન જાળવીને શ્રેષ્ઠ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે.
ગઠબંધનમાં અગાઉથી જ બે મુદ્દાઓ પર ફસાયેલો છે પેચ
નોંધનીય છે કે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી બે મુખ્ય મુદ્દાઓ પર મતભેદ ચાલી રહ્યા છે—પ્રથમ બેઠકોની સંખ્યા અને બીજો સ્વામી પ્રસાદ મૌર્યની ગઠબંધનમાં એન્ટ્રી. અખિલેશ યાદવ અગાઉ પણ મૌર્યને ગઠબંધનમાં સામેલ કરવાનો ઈનકાર કરી ચૂક્યા છે. જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સામાજિક ન્યાય અને પરિવર્તન માટે INDIA ગઠબંધન યુપીની જનતા સમક્ષ એક મજબૂત વિકલ્પ રજૂ કરશે.
ગત ચૂંટણીઓના આંકડામાં કોંગ્રેસની સ્થિતિ
યુપીમાં કોંગ્રેસની 181 બેઠકોની માંગ વચ્ચે ગત ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 2.33 ટકા મત સાથે ફક્ત 2 બેઠકો પર જ જીત મળી હતી, જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં પાર્ટી 6.25 ટકા મત મેળવીને 7 બેઠકો જીતી શકી હતી.











