જાહેર મંચ પર રાહુલ ગાંધીએ કરી પોતાની ગર્લફ્રેન્ડની વાત, કેમ્બ્રિજની ડેટનો સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષા સોનિયા ગાંધીએ સોમવારે પોતાના જીવનના સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘Belonging: A Journey of Love’નું વિધિવત વિમોચન કર્યું હતું. આ પ્રસંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
‘કોઈ રાજકીય વાત નહીં, પણ પુત્ર તરીકે માતાની ઝલક રજૂ કરવી છે’
સમારોહમાં મંચ પરથી સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હળવા અંદાજમાં જણાવ્યું હતું કે તેમને આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની રાજકીય વાત ન કરવા માટે ખૂબ જ કડક આદેશ આપવામાં આવ્યા છે અને તેઓ તેનું સંપૂર્ણ પાલન કરવાના છે. જોકે, એક પુત્ર તરીકે અથવા તેમના સંતાનોમાંથી એક તરીકે તેમને એવું લાગ્યું કે તેમનામાંથી કોઈ એકે ઉપસ્થિત લોકો સમક્ષ તેમની માતાના વ્યક્તિત્વની થોડી ઝલક રજૂ કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ ગર્લફ્રેન્ડ અંગે રસપ્રદ કિસ્સો સંભળાવ્યો
પોતાના અંગત જીવનનો એક રસપ્રદ કિસ્સો વાગોળતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે તેઓ કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે એક દિવસ તેમણે પોતાની ગર્લફ્રેન્ડને ‘વર્સિટી રેસ્ટોરન્ટ’માં જવાનું કહ્યું હતું. તે સમયે તેમની ગર્લફ્રેન્ડને આ જગ્યાના મહત્વ વિશે કોઈ જાણ નહોતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમના માતા-પિતા એટલે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી, સૌપ્રથમવાર આ જ રેસ્ટોરન્ટમાં મળ્યા હતા, તેથી તેઓ એ સ્થળ જોવા માંગતા હતા.
મેં અને મારી ગર્લફ્રેન્ડે સાથે મળીને ભોજન લીધું : રાહુલ ગાંધી
રેસ્ટોરન્ટની મુલાકાતનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે ત્યાં પહોંચતા જ તેમને પીળા રંગનો દરવાજો દેખાયો, જે તેમને આજે પણ બરાબર યાદ છે. દરવાજા પાસે ઊભેલા એક સજ્જને કેટલા લોકો છે તેમ પૂછતાં તેમણે '2' કહ્યું હતું અને અંદર જઈને બેસવા જણાવ્યું હતું. ત્યારબાદ જ્યારે કર્મચારીએ મેનુ આપ્યું, ત્યારે રાહુલે તેને જણાવ્યું કે તેમના માતા-પિતા આ જ રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. આ સાંભળીને કર્મચારીએ તેમની સામે જોઈને કહ્યું કે, ‘ઓહ, તેઓ! હું તેમને ઓળખું છું.’ રાહુલે જ્યારે પૂછ્યું કે તમે તેમના વિશે શું જાણો છો, ત્યારે કર્મચારીએ હકારમાં જવાબ આપતા કહ્યું કે મને ખબર છે કે તમે કોની વાત કરી રહ્યા છો. ત્યારબાદ રાહુલે મેનુમાં સૌથી સારી વાનગી વિશે પૂછ્યું, તો કર્મચારીએ ‘ચિકન ચેઝર’નું સૂચન કર્યું. રાહુલે બે પ્લેટનો ઓર્ડર આપ્યો અને બંનેએ સાથે મળીને ભોજન લીધું હતું.
‘અમે ઈન્દિરાજીને ગોળી વાગતા અને પિતાજીને ટુકડાઓમાં ઉડતા જોયા’
પોતાની માતા સાથે જોડાયેલી ભાવુક વાતો શેર કરતાં રાહુલ ગાંધીએ પરિવારના મુશ્કેલ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે અચાનક જ તેમણે પરિવારના મોભી ઈન્દિરા ગાંધીને ગોળી વાગતા જોયા અને ત્યારબાદ પોતાના સૌથી મોટા આધાર એવા પિતા રાજીવ ગાંધીને વિસ્ફોટમાં ટુકડાઓમાં વિખેરાતા જોયા હતા. માતાની યાદશક્તિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ આ બાબતે માતા સાથે સતત દલીલ કરે છે. સોનિયા ગાંધીની યાદશક્તિ અત્યંત તેજ છે અને તેઓ ક્યારેય કશું ભૂલતા નથી, પરંતુ માત્ર એક જ બાબત એવી છે જે તેમને યાદ નથી - જો તેમને પૂછવામાં આવે કે પિતાના નિધન સમયે શું બન્યું હતું, તો તે ઘટનાની તેમને કોઈ જ સ્મૃતિ નથી.
‘આ એક અદ્ભુત જીવન અને પ્રેમ હતો, જે એક જ દિવસમાં સમાપ્ત થઈ ગયો’
અંતમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે આ પુસ્તકમાં વાચકોએ જે કંઈ પણ વાંચ્યું છે, તે તેમની બહેન પ્રિયંકા અને માતા સોનિયા ગાંધીએ સાથે મળીને તૈયાર કર્યું છે. રાજીવ ગાંધીના નિધનને યાદ કરતાં તેમણે કહ્યું કે એ અદ્ભુત જીવન અને બંને વચ્ચેનો એ અપાર પ્રેમ એક જ દિવસમાં સમાપ્ત થઈ ગયો હતો. તેમના માટે તે અત્યંત ભયાનક સમય હતો, કારણ કે તેમને આવા કોઈ અઘટિત બનાવનો અંદેશો હતો. ‘Belonging’ પુસ્તકમાં એ વાત રજૂ કરવામાં આવી છે કે કેવી રીતે સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા, અને પિતાની વિદાય બાદ માતાએ કેવી રીતે જીવનની એક નવી સફર શરૂ કરી.











