VIDEO: 'તમે બેઈમાન છો કાં તો બેવકૂફ...' મહિલા પત્રકારે પુરાવા માંગતા જ ટ્રમ્પ ભડક્યા થઈ તુ..તુ..મેં..મેં...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કેલિફોર્નિયા ચૂંટણીમાં ગેરરીતિના પોતાના આરોપો પર પુરાવા માંગવામાં આવતા ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હતા. એન્કર સાથે તીખી ચર્ચા બાદ તેઓ મીડિયાને 'અપ્રમાણિક' કહીને, માઇક્રોફોન હટાવી ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. ઇન્ટરવ્યૂના અંતે તેમણે એન્કરને કહ્યું, 'ચલો હવે અહીં જ પૂરું કરીએ. કારણ કે હવે બહુ થયું. શુક્રિયા, ડાર્લિંગ.'
ઇન્ટરવ્યૂમાં ભારે હોબાળો
આ સમગ્ર ઘટના પ્રખ્યાત શોના ઇન્ટરવ્યૂ દરમિયાન બની હતી. શરૂઆતમાં ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો અને ટ્રમ્પના પ્રસ્તાવિત $1.8 અબજના શસ્ત્રીકરણ-વિરોધી અભિયાન જેવા ગંભીર મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ રહી હતી. પરંતુ, જ્યારે એન્કર ક્રિસ્ટન વેલ્કરે વર્ષ 2020ની પ્રમુખ પદની ચૂંટણીમાં છેતરપિંડી અને કેલિફોર્નિયા પ્રાઇમરી ચૂંટણી 2026ના વિવાદ અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે માહોલ ગરમાયો હતો. એન્કરે જ્યારે ટ્રમ્પને પોતાના આરોપોના પુરાવા આપવા કહ્યું, ત્યારે તેઓ પૂર્વ પ્રમુખ જો બાઇડન અને મીડિયા પર જોરદાર વરસ્યા હતા.
પુરાવા માંગતા જ ટ્રમ્પ ભડક્યા
જ્યારે એન્કરે ધ્યાન દોર્યું કે ટ્રમ્પના આરોપોને સાબિત કરે તેવા કોઈ પુરાવા નથી, ત્યારે ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું, 'માત્ર પુરાવા જ પુરાવા છે. ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. એ એક ગંદી ચૂંટણી હતી અને અત્યારે કેલિફોર્નિયામાં પણ એવું જ થઈ રહ્યું છે.' ટ્રમ્પનો દાવો છે કે કેલિફોર્નિયામાં ગવર્નર અને લોસ એન્જલસના મેયર સહિતની ઘણી બેઠકો પર મતદાન સમાપ્ત થયાના દિવસો પછી પણ મતોની ધીમી ગણતરી ચાલી રહી છે, જે મોટી ગેરરીતિ તરફ ઈશારો કરે છે.








