બિહારના નવા મુખ્યમંત્રી કોણ? નીતિશ કુમારના સ્થાને રેસમાં છે 3 ત્રણ નેતાઓ
બિહારના રાજકારણમાં અત્યારે 'ભૂકંપ' જેવી સ્થિતિ છે. મુખ્યમંત્રી નીતીશ કુમ

બિહારના રાજકારણમાં અત્યારે 'ભૂકંપ' જેવી સ્થિતિ છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નીતીશ કુમાર દિલ્હીના રાજકારણમાં સક્રિય થતાં હવે બિહારમાં NDAએ નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. નીતિશ કુમાર દિલ્હીમાં જતાં હવે બિહારના મુખ્યમંત્રી તરીકે હાલમાં ત્રણ નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
સમ્રાટ ચૌધરી: સૌથી પ્રબળ દાવેદાર
જો નીતીશ કુમાર પદ છોડે છે, તો ભાજપના સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સમ્રાટ ચૌધરી CM બને તો ભાજપનું વર્ચસ્વ પણ જળવાઈ રહેશે. ઉપરાંત બિહારમાં ભાજપ પાસે 89 ધારાસભ્યો છે, જે NDAમાં સૌથી મોટો પક્ષ છે. હાલમાં તેઓ નાણાં, આરોગ્ય અને ગૃહ જેવા મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. ઉપરાંત તે રાજકીય પરિવારમાંથી આવે છે અને 1999 સક્રિય રાજકારણમાં છે. 2023માં તેઓ બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
વિજય સિન્હા: આક્રમક નેતાની છબી
મુખ્યમંત્રી પદની રેસમાં વિજય સિન્હા પણ પાછળ નથી. તેમની ગણતરી ભાજપના કદાવર નેતાઓમાં થાય છે. તેઓ પોતાની આક્રમક કાર્યશૈલી અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ માટે જાણીતા છે. લખીસરાયથી ધારાસભ્ય વિજય સિન્હા ભૂતકાળમાં વિધાનસભા અધ્યક્ષ અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ RSS અને ABVPની પૃષ્ઠભૂમિ ધરાવે છે.
નિશાંત કુમાર: નવો ચહેરો
નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ પણ ચર્ચામાં છે, જોકે તેમની સંભાવના હાલમાં ઓછી જણાઈ રહી છે. હાલમાં જેડીયુ(JDU)ના પોસ્ટરો અને કાર્યક્રમોમાં તેઓ સક્રિય જોવા મળી રહ્યા છે. એવી ચર્ચાઓ છે કે ભાજપ પોતાના નેતાને CM પદ આપે અને નિશાંત કુમારને ડેપ્યુટી CM તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, નિશાંત હજુ સુધી સક્રિય ચૂંટણીના મેદાનમાં આક્રમક રીતે ઉતર્યા નથી.
શું થશે બિહારનું ભવિષ્ય?
ગયા વર્ષે નવેમ્બરમાં નીતીશ કુમારના નેતૃત્વમાં NDA એ મોટી જીત મેળવી હતી. હવે જો નીતીશ કુમાર કેન્દ્રમાં જાય છે, તો બિહારના રાજકારણમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ભાજપ હવે બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બેસાડવાની ફિરાકમાં હોય તેમ દેખાઈ રહ્યું છે.








