કોણ છે ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ? જે આઠમા પગાર પંચના અધ્યક્ષ બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એટલે કે આજે 28 ઓક્ટોબરના રોજ આઠમા પગાર પંચની રચનાને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી કમિશનની જાહેરાત થયાના લગભગ 10 મહિના પછી મળી છે. સરકારે કમિશનને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. આ ભલામણોના આધારે, સરકારી કર્મચારીઓ માટે પગાર અને પેન્શન વધારો 2027થી લાગુ થઈ શકે છે.
કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ?
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને આઠમા પગાર પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સચિવ પંકજ જૈનને સભ્ય-સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અગાઉ સીમાંકન પંચના અધ્યક્ષ હતા રંજના
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ અગાઉ સીમાંકન પંચ (Delimitation Commission)ના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code)નો મુસદ્દો તૈયાર કરતી સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આર્ટ્સમાં સ્નાતક થયા, એલએલબીની ડિગ્રી પણ મેળવી
2014માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા પછી, તેમણે વિવિધ બંધારણીય અને વહીવટી ભૂમિકાઓમાં સેવા આપી છે. 30 ઓક્ટોબર, 1949ના રોજ જન્મેલા રંજના દેસાઈ 1970માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા હતા. તેમણે 1973માં મુંબઈની સરકારી લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.
આઠમું પગારપંચ ક્યારે અમલમાં આવશે?
દેશમાં વધતી જતી ફુગાવા અને જીવનનિર્વાહના ખર્ચને પહોંચી વળવા, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય લાભોમાં સુધારો કરવા માટે દર 10 વર્ષે એક નવું પગારપંચ રચવામાં આવે છે. આ પરંપરાને અનુસરીને, આઠમું પગારપંચ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. જો કે, કમિશનને તેની ભલામણો રજૂ કરવા માટે લાગનારા જરૂરી સમયને જોતાં, વાસ્તવિક પગાર અને પેન્શન વધારો 2027માં લાગુ થવાની સંભાવના છે.







