આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મોન્થાની દસ્તક: વીજ પુરવઠો ખોરવાયો, ભારે પવન ફૂંકાયો, શાળા-કોલેજોમાં રજા
ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશ

ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં ત્રાટક્યું છે, જેમાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારતીય સેના અને NDRFની ટીમો એલર્ટ પર છે.
આ રાજ્યોમાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન
આ વાવઝોડાને કારણે ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ રાજ્યોમાં NDRF અને SDRFની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
વાવાઝોડું મોન્થા કાકીનાડા નજીક ટકરાયું
મંગળવારે એટલે કે આજે રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ટકરાયું છે. હવામાન વિભાગે આ માહિતી જણાવી છે. વાવાઝોડું મોન્થા હવે વધુ શક્તિશાળી થઈ ગયું છે અને લેન્ડફોલ શરૂ થઈ ગયું. જેમાં 90-110 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક વૃક્ષો ઉખડી ગયા, વીજળી ગુલ થઈ ગઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થયું છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલું છે. વરસાદને લઈ રેડ એલર્ટ પણ જારી છે.
આંધ્રપ્રદેશમાં મોટા પાયે પાકનું નુકસાન
આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના પ્રાથમિક અંદાજ મુજબ, 38,000 હેક્ટરમાં ઉભો પાક અને 1.38 લાખ હેક્ટરમાં બાગાયતી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યમાં નોંધપાત્ર નુકસાન થયું છે. બીજી તરફ મંગીનાપુડી બીચ પર જોરદાર પવન ફૂંકાયો, જેને કારણે બીચ પરના વૃક્ષો ઉખડી ગયા છે. NDRFની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે.
તમિલનાડુની શાળા-કોલેજોમાં રજા
વાવાઝોડાની અસરના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં વિમાન તથા રેલવે સેવા ખોરવાઈ
વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા વેબસાઈટ પર અપડેટ જોવા વિવિધ એરલાઇન્સ કંપનીએ સલાહ આપી છે. આ સિવાય દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો પણ રદ્દ કરી છે.
લોકોનું સ્થળાંતર કરાયું
વાવાઝોડાને જોતાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 24 કલાક સતત નજર રાખી રહ્યા છે. તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો તૈનાત છે.








