ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર, કેન્દ્રએ ફર્ટિલાઈઝર માટે 38 હજાર કરોડની સબસિડીને આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે આજે (28 ઓક્ટોબર) દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત આપતા વર્તમાન 2025-26 રવી સીઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ ખાતરો પર કુલ રૂપિયા 37,952 કરોડની સબસિડી મંજૂર કરી દીધી છે.
ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર
સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘રવી સીઝન માટે મંજૂર કરાયેલી આ સબસિડી ગયા વર્ષની સરખામણીમાં આશરે રૂપિયા 14000 કરોડ વધુ છે.’ આ નિર્ણય બાદ હવે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી શકશે.
જાણો કયા ખાતરમાં કેટલી મળશે સબસિડી
કેબિનેટના નિર્ણય મુજબ, પહેલી ઓક્ટોબરથી લાગુ થયેલા પોષક તત્વો આધારિત સબસિડી (NBS) યોજના હેઠળ નવા દર જાહેર કરાયા છે. તે મુજબ નાઇટ્રોજન (N) માટે રૂપિયા 43.02, ફોસ્ફોરસ (P) માટે રૂપિયા 47.96, પોટાશ (K) માટે રૂપિયા 2.38 અને સલ્ફર (S) માટે રૂપિયા 2.87 પ્રતિ કિલોગ્રામ સબસિડી આપવામાં આવશે.
સબસિડીથી ખેડૂતોને સીધો લાભ થશે
આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને સીધો લાભ થવાની અપેક્ષા છે, કારણ કે રવી સિઝનમાં ઘઉં, ચણા અને સરસવ જેવા મુખ્ય પાકોની વાવણી દરમિયાન ખાતરોની માંગ વધુ હોય છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે, કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા જળવાશે અને ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત થશે.






