મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી 11-12 ડિસેમ્બરે કેનેડાના પ્રવાસે જશે, કાર્ની સાથે વેપારથી સુરક્ષા સુધીના મુદ્દે થશે ચર્ચા

PM મોદી 11-12 ડિસેમ્બરે કેનેડાના પ્રવાસે જશે, કાર્ની સાથે વેપારથી સુરક્ષા સુધીના મુદ્દે થશે ચર્ચા
તસવીર: GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 ડિસેમ્બર, 2026ના રોજ કેનેડાના સત્તાવાર પ્રવાસે જશે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ પ્રવાસની પુષ્ટિ કરી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે વેપાર, ઊર્જા, ટેક્નોલોજી, સુરક્ષા અને બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ પ્રવાસને ભારત-કેનેડા સંબંધોને નવી દિશા આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ભારતીય હાઈ કમિશને કરી પ્રવાસની જાહેરાત

કેનેડામાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન મોદીના 11 અને 12 ડિસેમ્બરના પ્રવાસની માહિતી આપી હતી. તાજેતરમાં વડાપ્રધાન મોદી અને માર્ક કાર્ની વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી સકારાત્મક ગતિને આગળ વધારવા અને વિવિધ ક્ષેત્રોમાં નક્કર પરિણામો મેળવવા સહમતિ વ્યક્ત કરી હતી.

મોદી-કાર્ની વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર

વડાપ્રધાન મોદીએ કાર્ની સાથેની વાતચીતને સકારાત્મક ગણાવી હતી. તેમણે ભારત અને કેનેડા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વેપાર, ઊર્જા, ટેક્નોલોજી, સુરક્ષા અને લોકો વચ્ચેના સંપર્કને પ્રાથમિકતા આપશે. બંને નેતાઓએ વધુ સ્થિર અને સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક

કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અંગેની વાટાઘાટો વહેલી તકે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી છે. બંને દેશોનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો છે. મોદીના પ્રવાસ દરમિયાન વેપાર અને રોકાણ સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ થવાની આશા છે.

ઊર્જા, કૃષિ અને ઇન્ડો-પેસિફિક પર પણ ચર્ચા

બંને નેતાઓ વચ્ચે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની ભૌગોલિક-રાજકીય સ્થિતિ, ઊર્જા અને કૃષિ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. કેનેડાના વડાપ્રધાન કાર્નીએ યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત અને વડાપ્રધાન મોદીની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

300થી વધુ વેપારી પ્રતિનિધિઓનું ભારત આગમન

આ દરમિયાન કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુના નેતૃત્વમાં આશરે 300 વેપારી પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. આ જૂથ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને વેપારની તકો શોધી રહ્યું છે. અગાઉ કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે પણ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને સહયોગ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો