મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મોદી સરકારના દિવસો ભરાઈ ગયા, સત્તા બદલાશે!' દિલ્હીના રસ્તા પર લાખોની ભીડ જોઈ કોંગ્રેસનો હુંકાર

દિલ્હી ખાતે INDIA ગઠબંધન અને યુવાઓ દ્વારા યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે હવે મોદી સરકારનો સમય પૂરો થઈ ગયો છે.

પુણે ખાતે પત્રકારો સાથે વાત કરતા પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે, "ગઈકાલે દિલ્હીમાં સમગ્ર વિપક્ષ અને યુવાનો દ્વારા જે જંગી વિરોધ પ્રદર્શન યોજાયું, જેમાં અમારા લાખો કાર્યકરો અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો, તેણે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે મોદી સરકારનો સમય હવે પાકી ગયો છે. આ મોદી સરકારના અંતની શરૂઆત છે. દેશની જનતા સત્તા પરિવર્તન લાવવા માટે મક્કમ બની ચૂકી છે અને ગઈકાલના આંદોલને કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે."

સરકાર દ્વારા પ્રદર્શનકારીઓ સામે લેવાયેલા પગલાં અંગે બોલતાં તેમણે ઉમેર્યું હતું કે, "સરકાર આ આંદોલનને કચડી નાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. બંધારણીય દાયરામાં રહીને વિરોધ નોંધાવવો અને અવાજ ઉઠાવવો એ અમારો બંધારણીય અધિકાર છે. તેમ છતાં, આ અધિકારનું હનન કરીને લોકોની ગેરકાયદે અટકાયત અને ધરપકડ કરવી તે સદંતર ખોટું છે. સરકારનું આ વલણ સ્પષ્ટ દર્શાવે છે કે તે હવે ડરી ગઈ છે."

આ સમાચાર શેર કરો