લોકસભા ચૂંટણીમાં ઓછા મતદાનને કારણે કોને થાય છે ફાયદો; મોદીના નેતૃત્વમાં છેલ્લી બે ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટ્યા
લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાંથી બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બે તબક્કામાં 201

લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાંથી બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બે તબક્કામાં 2019 કરતા ઘણુ ઓછું મતદાન થયું છે.
બીજા તબક્કામાં 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 88 બેઠક પર મતદાન થયું હતું. બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું હતું. જે 2019 કરતા ઘણુ ઓછું હતું. 2019માં આ બેઠકો પર 70.09 ટકા મતદાન થયું હતું.
છેલ્લી બે ચૂંટણીમાં મતદાન ઉત્તરોત્તર વધ્યું છે અને નવા રેકોર્ડ સર્જાયા છે. 2014માં પરિવર્તન માટે ઊંચું વોટિંગ થયું હતું. 2019માં પુનરાવર્તન માટે ઐતિહાસિક 67 ટકા મતદાન નોંધાયું હતું.
પ્રથમ લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન
1951-52માં દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી યોજાઇ ત્યારે સૌથી ઓછું 44.87 ટકા મતદાન થયું હતું. એ વખતે લોકોમાં મતદાનની જાગૃતિ નહતી. મતદાન કેમ કરવું એ પણ ખબર નહતી. એટલે મોટો વર્ગ મતદાનથી દૂર રહેલો. મતદાનની ટકાવારી નજીવી વધીને 45.44 થઇ. કોંગ્રેસને 371 બેઠકો મળી હતી. 1962માં ત્રીજી ચૂંટણીમાં પહેલી વખત મતદાન 55.42 ટકાએ પહોચ્યું હતું. 1967 સુધીમાં દેશમાં ઘણા પરિવર્તનો આવી ગયા હતા. વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનું અવસાન થયું હતું અને તેમના અનુગામી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પણ 1966માં અવસાન થયું. એ પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. કોંગ્રેસમાં જ અંદરખાને ખૂબ અસંતોષ હતો. 1967ની ચૂંટણી પહેલાં ઇન્દિરા ગાંધીએ બેન્કોનું એકીકરણ અને સલિયાણા બંધ કર્યા તેનો વ્યાપક પ્રભાવ પડે એવી શક્યતા હતી. સ્વાતંત્ર્ય સેનાની રાજાજીના સ્વતંત્ર પક્ષે મોરચો માંડ્યો હતો. એ બધા વચ્ચે થયેલી ચૂંટણી ઐતિહાસિક બનીને 61.04 ટકા મતદાન થયું. પહેલી વખત મતદાનની ટકાવારી 60 ટકાની ઉપર પહોંચી હતી. એ વખતે દેશવાસીઓએ ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભરોસો બતાવ્યો હતો પરંતુ 1971માં મતદાનની ટકાવારી ઘટીને 55.27 થઇ હતી.
ક્યારેક ઓછા મતદાનથી સત્તાપક્ષને નુકસાન
ઊંચુ મતદાન થાય તો સત્તા પરિવર્તન થતું હોય એવી પેટર્ન છે. મતદારો પરિવર્તન ન ઇચ્છતા હોય તો નિરસ બની જાય છે ને જેમ ચાલતું હોય એમ ચાલવા દેવા માટે મતદાન કરતા નથી. પરિણામે ઘણી વખત ઓછું મતદાન થાય તેનું સત્તાપક્ષને નુકસાન પણ થાય છે. 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર ફરીથી આવશે એવી વ્યાપક ધારણા હતી. અટલજીની વિવિધ યોજનાઓના કારણે તેમની વાપસી નિશ્ચિત મનાતી હતી. શાઇનિંગ ઇન્ડિયાનો નારો ખૂબ ગાજ્યો હતો અને સ્થિર સરકાર ચલાવ્યાનો દાવો કર્યો હોવાથી શહેરી મતદારોમાં તેની ઘણી અસર થયેલી. ભાજપની તરફેણમાં માહોલ બન્યો હતો પરંતુ માહોલની અસર મતદાનમાં દેખાઇ નહતી. 57.98 ટકા મતદાન થયું, જે 1999ની ચૂંટણીથી બે ટકા ઓછું હતું. અટલજીના નેતૃત્વમાં NDAને 138 બેઠકો મળી હતી જ્યારે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને 145 બેઠકો મળી હતી. સાત બેઠકોનો ફરક રહ્યો. મતદાનની ટકાવારીમાં માત્ર બે ટકાનો ફરક પડ્યો તેનાથી પરિવર્તન એ આવ્યું કે કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઉભરી હતી. યુપીએની સરકાર બની. 2009ની ચૂંટણીમાં 58.19 ટકા મતદાન થયું. ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો થયો ને 206 બેઠકો મળી. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની બીજી વખત સરકાર બની હતી.
મતદારોનો અકળ મિજાજ
મતદારોનો મિજાજ કળવો મુશ્કેલ છે. ક્યારેક દેખાય છે એવું જ પરિણામ આવે છે તો ક્યારેક સપાટી પર દેખાતું ચિત્ર મતપેટી ખૂલે ત્યારે જુદું હોય છે. નેતાઓની સભાઓમાં જનમેદની છલકાઇ જાય છે પણ એનાથી મતપેટી છલકાતી નથી. મતદારો બધા નેતાઓને સાંભળે છે તેમના વાયદા પર વિચાર કરે છે. મતદારોની આંખો નેતાઓને એક્સરે કાઢે છે. બધાના વિશ્લેષણો સાંભળે છે. વાંચે છે પણ અંતે પોતાના દિલનો અવાજ સાંભળીને યોગ્ય લાગે એ ઉમેદવારને જ મત આપે છે. કદાચ દુનિયામાં સૌથી અકળ મતદારો ક્યાંય હશે તો એ ભારતમાં છે. આ અકળ મતદારોની એક ચોક્કસ પેટર્નને ચૂંટણી દર ચૂંટણી તપાસવાની અમુક વરતારા કરી શકાય છે. એવો એક વરતારો: જ્યારે જ્યારે ઊંચુ મતદાન થાય છે ત્યારે પરિવર્તન થયું છે. લોકસભાની ચૂંટણીના ઇતિહાસને તપાસીએ તો જાણ થાય કે મતદારોએ જ્યારે જ્યારે ઊંચુ મતદાન કર્યું છે ત્યારે ત્યારે તેમને લોકશાહીમાં ભરોસો દ્ઢ થયો છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ રેકોર્ડ તૂટ્યા
2014માં નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયાનો નારો લઇને આવ્યા ને મતદાનના તમામ જૂના રેકોર્ડ્સ તૂટ્યા હતા. 2014માં અભૂતપૂર્વ 66.44 ટકા મતદાન થયું ને ભાજપને 282 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મળ્યો હતો. ભાજપને 66 ટકામાંથી 31 ટકા મતો મળ્યા એ પણ નવો રેકોર્ડ સર્જાયો હતો. કોંગ્રેસનો વોટશેર ઘટીને 19 ટકાએ ગગડી ગયો હતો. 2014નું વોટિંગ પરિવર્તન માટે હતું. મતદારો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર રચવા ઉત્સુક હતા અને એનો પડઘો મતપેટીમાં પડ્યો હતો. 2019ની લોકસભાનવી ચૂંટણીમાં 67.40 ટકા મતદાન થયું હતું. લગલગાટ બે ચૂંટણીમાં મતદાનની ટકાવારીના નવા રેકોર્ડ્સ બન્યા હતા. 2019માં પુનરાવર્તન માટે આટલું ઊંચુ મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં 67.40 ટકા મતોમાંથી ભાજપને 37.36 ટકા મતો મળ્યા હતા. એના કારણે ભાજપે એકલા હાથે પહેલી વખત 303 બેઠકો કબજે કરી હતી. જોવાની વાત એ હતી કે કોંગ્રેસનો વોટશેર 2019માં પણ 19.49 ટકા હતો. એટલે કે કોંગ્રેસના વોટશેરમાં બહુ ફરક પડ્યો નહતો પરંતુ ભાજપની નવી વોટબેન્ક સર્જાઇ હતી. 2014 અને 2019ની ચૂંટણીઓ એટલા માટેય ઐતિહાસિક બની કે એ વર્ષથી દેશના 65 ટકાથી વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માંડ્યા હતા. લોકશાહીની દ્રષ્ટિએ આ સૌથી મોટું પરિવર્તન છે.








