ડિકે શિવકુમાર CM પદના શપથ ક્યારે લેશે? સિદ્ધારમૈયાએ બતાવ્યો પોતાનો પ્લાન
કર્ણાટક કોંગ્રેસ સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. સ્થાનિક મીડિ

કર્ણાટક કોંગ્રેસ સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. સ્થાનિક મીડિયા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નેતૃત્વમાં નવી સરકારની રચનાની તારીખ અંગે અટકળો લગાવી રહ્યું છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો કે, ડીકે શિવકુમાર આ મહિનાની 21 કે 26 તારીખે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકારનો અઢી વર્ષનો કાર્યકાળ 20 નવેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે ત્યારે એવી અટકળો ચાલી છે કે કથિત સત્તા-વહેંચણી ફોર્મ્યુલા મુજબ ડીકે શિવકુમાર 21 કે 26 તારીખે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્રકારોએ એક સવાલ કરતા ગુસ્સે થઈ ગયા હતા. પત્રકારોના સવાલનો જવાબ આપતાં સામે પૂછ્યું કે, આવું તમને કોણે કહ્યું? શું શિવકુમારે તમને આવું કહ્યું?"
સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર 20 નવેમ્બરે અઢી વર્ષ પૂરા કરી રહી છે. સ્થાનિક મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ શિવકુમાર 20 નવેમ્બર પછી સિદ્ધારમૈયા સાથે પાવર શેરીંગ અંતર્ગત મુખ્યમંત્રી બની શકે છે. સિદ્ધારમૈયાને પૂછાયું કે શું શિવકુમાર 21 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે કે 26 નવેમ્બરે, ત્યારે સિદ્ધારમૈયા ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યા ગયા.
આ ઘટનાએ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે બધું સરખું ન હોવાની વાતોને વેગ મળ્યો. શિવકુમાર સિદ્ધારમૈયા કે તેમના સમર્થકો સામે જાહેરમાં કોઈ ખટરાગ બતાવ્યો નથી. પરંતુ જ્યારે સિદ્ધારમૈયાના વફાદાર સમાજ કલ્યાણ મંત્રી એચસી મહાદેવપ્પાને શિવકુમારની 'ડેડલાઇન' વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "મને આટલી મોટી બાબતો વિશે કેવી રીતે ખબર પડે? આ બાબતની તો ફક્ત મુખ્યમંત્રી, પાર્ટી પ્રમુખ (શિવકુમાર) અને હાઇકમાન્ડને જ ખબર હશે.
સિદ્ધારમૈયા ગ્રૂપના અન્ય એક નેતા, આવાસ મંત્રી બી.ઝેડ. જમીર અહેમદ ખાને શિવકુમારને 2028 પછી મુખ્યમંત્રી પદની ઇચ્છા રાખવાનું કહ્યું હતું. તેમણે એવી શક્યતાને પણ ફગાવી દીધી કે જો શિવકુમારને મુખ્યમંત્રી પદ નહીં મળે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, શિવકુમારના લોહીમાં કોંગ્રેસ છે. મુખ્યમંત્રી બનવાની તેમની ઇચ્છા સ્વાભાવિક છે, જેમ કે અન્ય ઘણા નેતાઓની પણ છે. સિદ્ધારમૈયા પછી શિવકુમાર મુખ્યમંત્રી બનશે તો અમને ખુશી થશે. પરંતુ આ પદ 2028 સુધી ખાલી નથી.






