શરદ પવાર સાથે શું થઈ વાતચીત, દોઢ કલાક બાદ થયેલી મુલાકાતનો મંત્રી છગન ભૂજબળે કર્યો ખુલાસો
મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)થી નારાજગીની વાત

મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)થી નારાજગીની વાતો ઠેર ઠેર ચર્ચાઈ રહી છે. છગન ભુજબળે એક દિવસ પહેલા બારામતીમાં જન સન્માન રેલીમાં શરદ પવાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શરદ પવારને નિશાન બનાવ્યાના 24 કલાકમાં જ છગન ભુજબળ તેમને મળવા સિલ્વર ઓક પહોંચી જતાં રાજકારણ ગરમાયું છે.
સોમવારે એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ અચાનક શરદ પવારના ઘરે પહોંચ્યાં અને તેમને મળવા રાહ જોઈને બેઠા હતા. શરદ પવારે ખરાબ તબિયત બતાવી રાહ જોવા કહ્યું તે પછી પણ એકનાથ શિંદે સરકારમાં મંત્રી રહેલા છગન ભુજબળ રાહ જોતા બેસી રહ્યા હતા. છગન ભૂજબળના પક્ષપલટાની અટકળો પણ થવા લાગી. હવે છગન ભુજબળે શરદ પવાર સાથે બેઠક અંગે માહિતી આપી છે અને તેઓએ કયા મુદ્દે ચર્ચા કરી હતી.
છગન ભુજબળે કહ્યું છે કે તેમણે અનામતને લઈને શરદ પવાર સાથે વાત કરી છે. અનામતના મુદ્દે છગન ભુજબળે એક દિવસ પહેલા જ શરદ પવારને ઘેર્યા હતા. અનામતના મુદ્દે સીએમ એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી દૂર રહેવા બદલ છગન ભુજબળે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, બારામતીથી ફોન આવ્યા બાદ એમવીએના નેતાએ બેઠકમાં હાજરી આપી ન હતી. છગન ભુજબળની આ બેઠક અનામત અને સર્વપક્ષીય બેઠકની ચર્ચા સાથે સંબંધિત છે કે પછી પક્ષમાં ચાલી રહેલી ગડમથલમાં છે તે જોવું રહ્યું.
શરદ પવારની તબિયત હાલ સારી ન હોઈ આરામમાં હતા. સોમવારે શરદ પવારે માત્ર બે લોકોને એપોઇન્ટમેન્ટ આપી હતી. આમાંથી એક બેઠક ઠાકરે સેનાના ધારાસભ્ય મિલિંદ નાર્વેકર સાથે હતી. નાર્વેકરે વિધાન પરિષદની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
મંત્રી છગન ભુજબળ અચાનક શરદ પવારને મળવા તેમના બંગલે પહોંચી ગયા પણ પવારને મળવા માટે સમય લીધો ન હતો. શરદ પવારે ભુજબળને બહાર રાહ જોવા કહ્યું. અડધા કલાકથી વધુ સમય વીતી જવા છતાં ભુજબળ શરદ પવારને મળ્યા ન હતા. ભુજબળે સ્ટેન્ડ લીધો છે કે તેઓ શરદ પવારને મળ્યા વિના પાછા નહીં ફરે. તેઓ સિલ્વર ઓકમાં ઘણો સમય સુધી રોકાયા બાદ શરદ પવાર સાથે મુલાકાત શક્ય બની હતી.








