મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પુષ્પા-2'ને 2000 કરોડનો વકરો કરાવવા અલ્લુ અર્જુનની ધરપકડનો સ્ટંટ કરાયો? જાણો શું છે હકીકત

એક તરફ 'પુષ્પા 2' ધૂમ મચાવી રહી છે અને બોક્સ ઓફિસ પર કલેક્શનના નવા રેકોર્ડ સર્જી રહરી

'પુષ્પા-2'ને 2000 કરોડનો વકરો કરાવવા અલ્લુ અર્જુનની ધરપકડનો સ્ટંટ કરાયો? જાણો શું છે હકીકત

એક તરફ 'પુષ્પા 2' ધૂમ મચાવી રહી છે અને બોક્સ ઓફિસ પર કલેક્શનના નવા રેકોર્ડ સર્જી રહરી છે ત્યારે જ 'પુષ્પા' અલ્લુ અર્જુનની ધરપકડ કરાતાં સનસનાટી મચી ગઇ છે. 'પુષ્પા 2' 4 ડીસેમ્બરે રીલીઝ થઈ ત્યારે અલ્લુ અર્જુને ફિલ્મના સંગીતકાર દેવી સાઈ પ્રસાદ સાથે હૈદરાબાદના સંધ્યા થીયેટરમાં હાજરી આપેલી. અલ્લુને જોવા માટે હજારો લોકોની ભીડ થઈ ગયેલી ને તેમાં ધક્કામુક્કી થઈ જતાં 36 વર્ષની રેવતીનું મોત થઈ ગયેલું જ્યારે તેનો 13 વર્ષનો દીકરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલો. 

અલ્લુ અર્જુને યુવતીના પરિવારને 25 લાખની મદદ કરી

અલ્લુ અર્જુને રેવતીના પરિવારને 25 લાખ રૂપિયા આપ્યા છે પણ પોલીસે રેવતીના પરિવારની અરજીના આધારે ફરિયાદ નોંધી તેમાં અલ્લુને પણ દોષિત ગણાવ્યો છે. આ કેસમાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો અને નીચલી કોર્ટે અલ્લુને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી દીધો હતો પણ તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપીને છોડી મૂકતાં આ આખો પબ્લિસિટી સ્ટંટ હોવાની વાતો ચાલી રહી છે. 

અલ્લુના વકીલે કોર્ટમાં વિનંતી કરી હતી કે, અલ્લુના કેસની તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે પણ કોર્ટે એ વિનંતી સ્વીકારી નહોતી. નીચલી કોર્ટે 14 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા ત્યારે લાગતું હતું કે, અલ્લુએ કમ સે કમ શુક્રવારની રાત તો અલ્લુ અર્જુને જેલમાં જ કાઢવી પડશે પણ હાઈકોર્ટે આ શક્યતા પણ ના રહેવા દીધી.  

અલ્લુ અર્જુને પોતાના સામેની ફરિયાદ રદ કરાવવા માટે આંધ્ર પ્રદેશની હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટિશન કરેલી. આ પીટિશન પર તાત્કાલિક સુનાવણી કરી દેવાઈ ને સાંજ સુધીમાં તો અલ્લુ અર્જુનના વચગાળાના જામીન પણ મંજૂર કરી દેવાયા. અલ્લુ અર્જુન 12 કલાક કરતાં ઓછા સમયમાં બહાર પણ આવી ગયો પણ આ ડ્રામાના કારણે દેશભરના મીડિયામાં છવાઈ ગયો. તેનો ભરપૂર લાભ પુષ્પા ૨ને મળશે એ કહેવાની જરૂર નથી. 

તેલંગાણામાં મુખ્ય વિરોધ પક્ષ એવા ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતીએ અલ્લુ અર્જુનની ધરપકડની ઝાટકણી કાઢી પણ સોશિયલ મીડિયા પર મોટા ભાગનાં લોકોનો મત એવો જ હતો કે, 'પુષ્પા 2'ને ફાયદો કરાવવા માટે આ પબ્લિસિટી સ્ટંટ કરાયો છે. કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જેલમાં મોકલી દેતાં પબ્લિસિટી સ્ટંટ હોવા વિશે શંકાઓ થઈ હતી પણ હાઈકોર્ટના ઓર્ડરે એ શંકાને નાબૂદ કરી નાંખી.

'પુષ્પા 2'એ એક જ અઠવાડિયામાં 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે.8 દિવસના અંતે 1086 કરોડ રૂપિયાનો બંપર વકરો કરીને 'પુષ્પા 2'એ છાકો પાડી દીધો છે પણ ફિલ્મના સર્જકો 'પુષ્પા 2'ને  ભારતના ફિલ્મ ઈતિહાસની સૌથી વધારે કમાણી કરવાની ફિલ્મ બનાવવા માગે છે. અત્યારે 1914 કરોડ રૂપિયાની કમાણી સાથે 'દંગલ' આ યાદીમાં ટોપ પર છે. 'પુષ્પા 2'ના સર્જકોની ઈચ્છા 'દંગલ'ને પછાડીને ટોપ પર પહોંચવાની છે તેથી આ ખેલ કરાયો છે. અલ્લુની ધરપકડને પબ્લિસિટી સ્ટંટ માનનારાંની દલીલ છે કે, 'પુષ્પા 2' અત્યારે ભલે જબરદસ્ત કમાણી કરી રહી હોય પણ 'દંગલ'ની કમાણીના અડધો રસ્તે જ પહોંચી છે. મોટા ભાગની ફિલ્મો સમય જાય તેમ ઢીલી પડી જાય છે. 'પુષ્પા 2'ના કિસ્સામાં પણ એવું થવાની પૂરી શક્યતા છે તેથી પબ્લિસિટી સ્ટંટ કરીને ફરી ફિલ્મનો હાઈ ઉભો કરાઈ રહ્યો છે.  

'પુષ્પા 2' પણ બીજી ફિલ્મોની જેમ ઈન્ટરનેટ પર આવી ગઈ છે તેથી લોકો ડાઉનલોડ કરીને મફતમાં મોબાઈલ પર કે લેપટોપ પર કે સ્માર્ટ ટીવી પર જોવા માંડયા જ છે. તેના કારણે પણ ફિલ્મનો વકરો ઘટવા માંડયો છે અને હજુ ઘટશે પણ વકરો સાવ ઘટી જાય એ પહેલાં આ પબ્લિસિટી સ્ટંટ કરી નંખાયો તેથી અલ્લુ અર્જુનની તરફેણમાં સહાનુભૂતિનું મોટું ઉભું થાય, તેના ચાહકો અલ્લુની સાથે જ છે એવું બતાવવા માટે થીયેટરોમાં ઉમટી પડે ને 10 દિવસમાં જ બીજા 1000 કરોડ રૂપિયાનો વકરો કરીને 'દંગલ'થી આગળ નિકળી જવાય. ફિલ્મોને સુપરહીટ કરાવવા માટે આ પ્રકારનાં તિકડમ કરાતાં હોય છે તેથી આ વાત સાવ દમ વિનાની નથી જ. 

અલ્લુ અર્જુને ધરપકડ અંગે નારાજગી વ્યક્ત કરી છે. અલ્લુએ કહ્યું હતું કે,પોલીસે સીધો પોતાના બેડરૂમમાં ઘૂસીને ઉઠાવ્યો હતો. પોલીસે પોતાને નાસ્તો પણ કરવા દીધો નહીં અને કપડાં બદલવાની તક પણ આપી નહીં. અલ્લુ પોલીસ વાનમાં બેસતાં પહેલાં જે રીતે આરામથી ચા પીતો હતો અને સૌ સાથે મજાક કરતો હતો તે જોતાં ધરપકડના ડ્રામાને વધારે રીયલ બનાવવા કરાઈ આ ફરિયાદ કરાઈ રહી હોવાની ટીકા થઈ રહી છે.

અલ્લુ અર્જુનનું કોંગ્રેસ સાથે કનેક્શન જોતાં પબ્લિસિટી સ્ટંટની શક્યતા પ્રબળ

અલ્લુ અર્જુનનું કોંગ્રેસ સાથે કનેક્શન જોતાં પણ પબ્લિસિટી સ્ટંટની શક્યતા પ્રબળ છે. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહાના પિતા કંચરાલા ચંદ્રશેખર રેડ્ડી કોંગ્રેસના નેતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ફેબ્રુઆરીમાં જ ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ) છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રેડ્ડીની ગણના રેવંત રેડ્ડીની નજીકના માણસોમાં થાય છે. રેવંત રેડ્ડી પણ બીઆરએસ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. તેલુગુ સુપર સ્ટાર ચિરંજીવી અલ્લુના ફુઆ છે એ હિસાબે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અલ્લુના પરિવારજન છે. 

સસરાની મુખ્યમંત્રી સાથેની નિકટતા અને વગદાર નેતાઓ પરિવારમાં હોવા છતાં અલ્લુ અર્જુનની ધરપકડ થાય એ ઘણાંને અજુગતું લાગે છે. તેમના મતે, અલ્લુ અર્જુન સામે કોઈ પુરાવા નથી ને નક્કર કેસ નથી એ જોતાં ગમે ત્યારે તેની સામેનો કેસ નિકળી જવાનો છે પણ અલ્લુ પોતાના ફાયદા માટે આ કેસનો ઉપયોગ કરી રહ્યો છે. 

આ કેસના કારણે દસ-પંદર દાડા ભલે જેલમાં રહેવું પડે પણ તેના કારણે અલ્લુ ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટાર તરીકે સ્થાપિત થઈ જશે તેથી અલ્લુએ જેલવાસનું જોખમ ઉઠાવી લીધું છે.જોકે, એક દિવસ જેલમાં રહ્યાં બાદ અલ્લુ અર્જુન જેલની બહાર આવી ગયો છે.  

અલ્લુએ ખરેખર પબ્લિસિટી સ્ટંટ કર્યો હોય તો એ મોટી વાત કહેવાય કેમ કે હજુ સુધી કોઈ સ્ટારે આ રીતે જેલમાં જવાનો સ્ટંટ કર્યો નથી.

આ પણ વાંચો: અલ્લુ અર્જુન વહેલી સવારે જેલમાંથી આવ્યો બહાર, કેદમાં વિતાવી રાત; રિલીઝમાં વિલંબથી વકીલ ગુસ્સે

હૈદરાબાદ પોલિસે પોતાની નિષ્ફળતા છૂપાવવા અલ્લુને બલિનો બકરો બનાવ્યો

અલ્લુ અર્જુનના સમર્થકોનું કહેવું છે કે, તેલંગાણા સરકાર અને હૈદરાબાદ પોલીસ પોતાની આબરૂ બચાવવા માટે અલ્લુને બલિનો બકરો બનાવી રહી છે. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અલ્લુની ટીમ અને થિયેટર મેનેજમેન્ટે પોલીસને સંધ્યા થિયેટરમાં અલ્લુ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપવાનો છે તેની જાણ જ નહોતી કરી.

હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે કહેલું કે, થિયેટર મેનેજમેન્ટે અલગ એન્ટ્રી કે એક્ઝિટ નહોતા બનાવ્યાં. અલ્લુ અર્જુન રાત્રે 9.30 વાગ્યે થિયેટરમાં પહોંચ્યો હતો અને 15-20 મિનિટ બહાર ફેન્સ સાથે વિતાવી હતી અને પછી થીયેટરમાં અંદર જતો રહ્યો હતો. હજારો લોકો અલ્લુ અને રશ્મિકા મંદાનાની એક ઝલક મેળવવા માટે ઉમટી પડયા હતા. અલ્લુ અર્જુનની ટીમે સુરક્ષા ટીમે ભીડને પાછળ ધકેલવાનું શરૂ કર્યું તેમાં ધક્કમુકી થઈ અને રેવતી તથા તેનો દીકરો ગૂંગળામણના કારણે નીચે પડી ગયાં. બંનેને તરત હોસ્પિટલમાં લઈ જવાયાં પણ રેવતી ગુજરી ગઈ હતી. 

અલ્લુ અર્જુનની ઓફિસ અને થિયેટરે દાવો કર્યો છે કે, હૈદરાબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ૪ ડીસેમ્બરે રાત્રે ૯.૩૦ વાગ્યે સંધ્યા થિયેટરની મુલાકાત લેવાનાં છે. અલ્લુ અર્જુનની ઓફિસે સંધ્યા થીયેટરના મેનેજમેન્ટ દ્વારા હૈદરાબાદ પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો છે કે જેમાં સ્પષ્ટ લખેલું છે કે, ફિલ્મની હીરો, હીરોઈન, ડિરેક્ટર વગેરે સંધ્યા થીયેટર પર આવવાનાં છે.

શું છે ઘટના?

મૃતક રેવતીના પરિવારની ફરિયાદના આધારે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુન, તેની સીક્યુરિટી ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કલ્પેબલ હોમિસાઈડ (બિનઈરાદાપૂર્વક હત્યા) અને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનો કેસ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, અલ્લુ અર્જુન સંધ્યા થીયેટર પર જશે એવી કોઈ આગોતરી જાણ નહોતી કરાઈ તેથી થિયેટર મેનેજમેન્ટે ઘટનાની સાંજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી. અલ્લુ અર્જુન થીયેટર પર આવ્યો હોવાની ખબર પડતાં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયાં અને ધક્કામુકી થઈ ગઈ તેમાં નીચે પટકાયેલી રેવતીનું મોત થઈ ગયું. 

આ પણ વાંચો: જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને ચાહકોને શું કહ્યું? જુઓ VIDEO 

કલ્પેબલ હોમિસાઈડનો ગુનો ગંભીર ગણાય છે. ભારતીય ન્યાય સંહિતા (મ્શજી)ની કલમ 105 હેઠળ આ ગુના માટે ઓછામાં ઓછી 5 વર્ષની સજા થાય છે કે જેને 10 વર્ષ સુધી લંબાવી શકાય છે. મૃત્યુ થઈ શકે એવા ઈરાદાથી ઈજા કરાઈ હોય એવા  કિસ્સામાં આજીવન કેદની સજા પણ થઈ શકે છે.અલ્લુ અર્જુન સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) હેઠળ પણ કેસ નોંધાયો છે. આ કલમ શસ્ત્રો, અગ્નિ, ઝેર અથવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાને લગતી છે. આ કેસમાં દોષિત ઠરે તો ત્રણ વર્ષ સુધીની કેદ, વીસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

આ સમાચાર શેર કરો