Uttarkashi: ધરાલીના પીડિતો સાથે ભાજપની મજાક: 5 લાખનો વાયદો કરી, 5 હજારના ચેક આપ્યા
Uttarkashi Dharali Floods: ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી આ

Uttarkashi Dharali Floods: ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરને પાંચ દિવસ બાદ, શુક્રવારે (8 ઓગસ્ટ) અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત તરીકે 5,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા. જોકે, ઘણા લોકોએ આ રાહત રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પીડિતોએ જણાવ્યું કે, 'આ અમારા દુઃખનું અપમાન છે. અમે અમારા પરિવારો, ઘરો અને કરોડો રૂપિયાના વ્યવસાયો ગુમાવ્યા છે. આ રકમ અપમાનજનક છે.' તેમણે ઉમેર્યું કે, અમને 5-5 લાખ રૂપિયાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ તાત્કાલિક રાહત તરીકે માત્ર 5,000 રૂપિયાના ચેક આપી દેવાયા.
પીડિતોએ જણાવી વ્યથા
અહેવાલ અનુસાર, પીડિત લોકોનું કહેવું છે કે, 'આ દુર્ઘટના પછી વિસ્તારમાં વીજળી નહોતી, તેથી તેમણે મીણબત્તીઓના પેકેટ વહેંચવામાં આવ્યા હતા, પરંતુ તે પણ ચાર દિવસ પછી અમરા સુધી પહોંચ્યા. અમે રાતો અંધારામાં વિતાવી. અમે ભોજન બનાવવા માટે લાકડા બાળ્યા. સરકાર રાશન વિશે વાત કરે છે, પરંતુ તે પણ અમારા સુધી પહોંચ્યું નહીં. રાશન શોધવા માટે અમારે ઘરે ઘરે ભટકવું પડ્યું.'
એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, '5,000 રૂપિયાના ચેક એક કામચલાઉ ઉપાય છે અને નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજુ બાકી છે.'
ડીએમ અને એસડીએમ ઓફિસની બહાર દેખાવ
શુક્રવારે ગ્રામજનોએ ડીએમ અને એસડીએમ ઓફિસની બહાર દેખાવ કર્યો હતો અને રાહત કાર્યની ધીમી ગતિ પર સરકાર સામે 'મોદી ધામ તાપો' નારા લગાવ્યા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં હર્ષિલ અને મુખાબાની મુલાકાત લીધી હતી અને તે સમયે આ સૂત્રનો ઉપયોગ આ વિસ્તારમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી ઓગસ્ટે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી ધરાલી ગામનો અડધો ભાગ નાશ પામ્યો હતો અને ઘણાં લોકો ગુમ થયા છે. સેનાના જવાનોની સાથે, ધરાલીમાં ઘણી એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ ઘણાં લોકો હજુ પણ ફસાયેલા છે.







