મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં મીટ બેન પર બબાલ, ઓવૈસી- પવારે ઉઠાવ્યા સવાલ 

સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ) અને કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મહારાષ્ટ્રના નાગપુર, કલ્યાણ ડોમ્બ

મહારાષ્ટ્રમાં મીટ બેન પર બબાલ, ઓવૈસી- પવારે ઉઠાવ્યા સવાલ 

સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ) અને કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મહારાષ્ટ્રના નાગપુર, કલ્યાણ ડોમ્બિવલી અને માલેગાંવમાં માંસની દુકાનો બંધ રાખવાના આદેશને લઈને રાજ્યમાં નવો હોબાળો શરૂ થયો છે. પહેલા શિવસેનાએ તેનો વિરોધ કર્યો, પછી હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ તેના પર સવાલ ઉઠાવતા ગેરબંધારણીય ગણાવ્યો. અને હવે મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ આ આદેશ પર સવાલ ઉઠાવ્યા છે. એનસીપી નેતા અજિત પવારે ૧૫ ઓગસ્ટે કતલખાનાઓ અને માંસ વેચતી દુકાનો બંધ કરવાના કેટલાક સ્થાનિક સંસ્થાઓના આદેશ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આવા પ્રતિબંધ લાદવા ખોટું છે.

આવો પ્રતિબંધ લાદવો ખોટો છે

પવારે કહ્યું કે આવા પ્રતિબંધ સામાન્ય રીતે અષાઢી એકાદશી, મહાશિવરાત્રી, મહાવીર જયંતિ વગેરે પ્રસંગોએ ધાર્મિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લાદવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લોકો શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનો ખોરાક ખાય છે. પવારે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે, "આવો પ્રતિબંધ લાદવો ખોટો છે. મોટા શહેરોમાં વિવિધ જાતિ અને ધર્મોના લોકો રહે છે. જો તે ભાવનાત્મક મુદ્દો હોય તો લોકો તેને એક દિવસ માટે (પ્રતિબંધ) સ્વીકારે છે પરંતુ જો તમે મહારાષ્ટ્ર દિવસ, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર આવા આદેશો જારી કરો તો તે ખોટું છે.

ઓવૈસીએ સખત નિંદા કરી ગેરબંધારણીય ગણાવ્યું

AIMIM સાંસદ ઓવૈસીએ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) સહિત ભારતભરના અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા 'સ્વતંત્રતા દિવસ' નિમિત્તે 15 ઓગસ્ટના રોજ કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રાખવાના આદેશની સખત નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે, "એવું લાગે છે કે ભારતભરના અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનોએ 15 ઓગસ્ટના રોજ કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. દુર્ભાગ્યવશ, @GHMCOnline એ પણ આવો જ આદેશ આપ્યો છે. આ ગેરબંધારણીય છે. માંસ ખાવા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે શું સંબંધ છે? તેલંગાણામાં 99% લોકો માંસ ખાય છે. આ માંસ પ્રતિબંધો લોકોની સ્વતંત્રતા, ગોપનીયતા, આજીવિકા, સંસ્કૃતિ, પોષણ અને ધર્મના અધિકારનું ઉલ્લંઘન કરે છે. 

છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પ્રતિબંધ લાદ્યો છે. છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરની હદમાં કતલખાનાઓ અને માંસની દુકાનો બે દિવસ એટલે કે 15 અને 20 ઓગસ્ટ માટે બંધ રાખવાની જાહેરાત પણ કરી છે. 15 ઓગસ્ટે ગોકુલ અષ્ટમી અને 20 ઓગસ્ટે જૈન સમુદાયના મુખ્ય તહેવાર 'પર્યુષણ પર્વ' નિમિત્તે કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં કાર્યવાહીની ચેતવણી આપી છે. કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) એ પણ સ્વતંત્રતા દિવસે માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો.

આ સમાચાર શેર કરો