આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થશે ચર્ચા, NEET સહિતના મુદ્દા પર થઇ શકે છે હંગામો
સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં હંગામાના આસાર છે.કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ

સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં હંગામાના આસાર છે.કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ કેટલાક મુદ્દાને લઇને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સાથે જ બન્ને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થશે. આ સિવાય ડેપ્યુટી સ્પીકરના પદને લઇને ભાજપનું નેતૃત્ત્વ ધરાવતા NDA અને વિપક્ષી ગઠબંધન 'INDIA' આમને-સામને આવી ગયા છે.
લોકસભામાં ભાજપના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરશે. લોકસભાએ આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 16 કલાકનો સમય નક્કી કર્યો છે, જે મંગળવાર 2 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ સાથે સમાપ્ત થશે.
રાજ્યસભામાં ચર્ચા માટે 21 કલાકનો સમય રાખવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુધવારે ચર્ચા પર જવાબ આપવાની સંભાવના છે. બીજી તરફ વિપક્ષ સતત કેન્દ્ર સરકારને નીટ સહિત અન્ય ઘટનાને લઇને ઘેરી રહ્યું છે.
ક્યા મુદ્દા પર સરકારને ઘેરી શકે છે વિપક્ષ?
વિપક્ષ સંસદમાં આજે NEET સિવાય અગ્નિપથ યોજના, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવી શકે છે. તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ-યૂજીનું આયોજન કર્યું હતું. પરિણામ ચાર જૂને જાહેર કરાયા હતા પરંતુ તે બાદ ગુજરાત-બિહાર જેવા રાજ્યમાં પ્રશ્નપત્ર લીક થવા સિવાય પરીક્ષામાં ગેરરિતીના આરોપ લાગ્યા હતા.
ડેપ્યુટી સ્પીકર માટે ફૈઝાબાદના સાંસદનું નામ સામે આવ્યું?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ ડેપ્યુટી સ્પીકર પદ માટે સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદના નામનું સૂચન આપ્યું છે.








