VIDEO: પોલીસ કાર લઇને હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ઘુસી, દર્દીઓ પણ ચોકી ગયા
ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્ર

ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી. ખરેખર અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસની ગાડી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થતા જ દર્દીઓના સ્ટ્રેચરને ખસેડવા પડ્યા હતા જેને કારણે દર્દીઓની હાલત કફોડી બની હતી.
ક્યારે બની હતી ઘટના?
માહિતી મુજબ, 19 મેની સાંજે AIIMS ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે જ સમયે સર્જરી વિભાગમાં તહેનાત મહિલા ડૉક્ટરની નર્સિંગ ઓફિસર સતીશ કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવો શરૂ કર્યા હતા. એઈમ્સના તબીબોએ ડીનની ઓફિસનો ઘેરાવ પણ કર્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ આરોપીને પકડવા પહોંચી
પોલીસ આરોપીને પકડવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થિતિ જોઈને પોલીસે ઈમરજન્સી વોર્ડની અંદર દર્દીઓ વચ્ચે જીપ ઘૂસાડી દીધી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવતા રહ્યા. વોર્ડમાં પોલીસની ગાડી જોઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઘટના અંગે પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
પોલીસનું કહેવું છે કે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે. તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે પણ આ ઘટના અંગે AIIMS વહીવટીતંત્રને મળ્યા હતા અને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.








