મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બાળકને કિડનેપરની એવી માયા લાગી કે જુદા પડતાં બંને જણા ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા

રાજસ્થાનના જયપુરથી એક અનોખી અને લાગણીશીલ કરી દે તેવી ઘટના સામે આવી છે

VIDEO: બાળકને કિડનેપરની એવી માયા લાગી કે જુદા પડતાં બંને જણા ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા

રાજસ્થાનના જયપુરથી એક અનોખી અને લાગણીશીલ કરી દે તેવી ઘટના સામે આવી છે. 14 મહિના પહેલા અપહરણ કરાયેલા બાળકને કિડનેપર સાથે એટલો લગાવ થઈ ગયો કે જ્યારે પોલીસ તેને તેના પરિવાર પાસે લઈ ગઈ તો પણ બાળક દોડીને કિડનેપરને ગળે વળગી પડ્યો. તેને છોડવા તૈયાર નહોતો. બાળક કિડનેપરને ગળે લગાડ્યો અને રડવા લાગ્યો. બાળકને રડતા જોઈને કિડનેપરની આંખમાં પણ આંસુ આવી ગયા.  

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ બાળકને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને બાળક અપહરણકર્તાને વળગીને જોર જોરથી રડતો જોવા મળે છે. આ પછી આરોપી પણ રડવા લાગ્યો. પોલીસે બળજબરીથી બાળકને આરોપી પાસેથી છોડાવીને માતા પાસે લઈ ગઈ. પરંતુ બાળકને આટલા સમય પછી માતા મળતા હર્ષ થવાને બદલે રડતો જ રહ્યો. 

મળતી માહિતી મુજબ બાળક લગભગ 14 મહિના સુધી અપહરણકર્તા સાથે હતો. પરંતુ અપહરણકર્તાએ તેને નુકસાન પહોંચાડવાને બદલે બાળકની ખૂબ કાળજી લીધી. તેને કપડાં, રમકડાં બધું લાવી આપી તેની ઈચ્છાઓ પૂરી કરી. બાળકને કિડનેપર સાથે એટલો લગાવ થઈ ગયો કે તે તેને છોડવા તૈયાર નહોતો. રિપોર્ટ મુજબ આરોપીની ઓળખ તનુજ ચાહર તરીકે થઈ છે અને તે ઉત્તર પ્રદેશનો પૂર્વ હેડ કોન્સ્ટેબલ હોવાનું કહેવાય છે. પોલીસે તેની અલીગઢથી ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો

આરોપીએ 14 જૂન 2023ના રોજ 11 મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું. બાળકની ઓળખ કુક્કુ ઉર્ફે પૃથ્વી તરીકે થઈ છે. આરોપી તનુજે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને પૃથ્વીનું અપહરણ કર્યું હતું. પોલીસે તેને પકડવા તેના પર ઈનામ પણ રાખ્યું હતું પરંતુ કંઈ ભાળ મળી નહોતી. બાળક 14 મહિના સુધી અપહરણકર્તા પાસે રહ્યો. 

આ પછી પોલીસને ઇનપુટ મળ્યા કે કિડનેપરે પોતાનો દેખાવ બદલી નાંખ્યો હતો. દાઢી બનાવીને સાધુ વેશમાં મથુરા-વૃંદાવનના પરિક્રમા માર્ગ પર એક ઝૂંપડીમાં રહે છે. બાળક પણ તેની સાથે હતો. માહિતી મળતા જ પોલીસ વેશપલટો કરીને આરોપીના ઝૂંપડી સુધી પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસના આગમનની તેને પહેલા જ ખબર પડી જતાં તે બાળકને ઉઠાવીને ખેતરમાં ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કરીને બાળક સાથે પકડી લીધો. 

મળતી માહિતી મુજબ, પોલીસ આરોપીને જયપુર લાવી હતી. બાળકના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી જ્યારે પોલીસે બાળકને માતાને સોંપવાનો પ્રયાસ કર્યો, ત્યારે બાળક અપહરણકર્તાને છોડવા તૈયાર ન હતો. તેણે તેને ગળે લગાડ્યો અને જોરથી રડવા લાગ્યો.

આ સમાચાર શેર કરો