મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"અમારી આસ્થાને ઠેસ પહોંચાડી": રામ લલ્લાના દર્શન પર રોક અને યોગીના વિકાસના નામે સપા ધારાસભ્યનો ભગવો ધારણ!

ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાજવાદી પાર્ટી (SP)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. કલ્પી વિધાનસભા બેઠકના સપા ધારાસભ્ય વિનોદ ચતુર્વેદીએ સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે અખિલેશ યાદવની પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને પાર્ટી છોડવા પાછળનું મોટું કારણ જાહેર કર્યું હતું.

અમેઠીમાં પત્રકારો સાથે વાતચીત કરતા વિનોદ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, "જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે વિધાનસભા સ્પીકરે ગૃહમાં કહ્યું હતું કે જે કોઈ દર્શન કરવા જવા માગે છે તે જઈ શકે છે. પરંતુ અમારા પક્ષના હાઈકમાન્ડે અમને દર્શન કરવા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ નિર્ણયથી અમારી ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી હતી."

સપા હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરવાની સાથે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યોની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "બીજું મોટું કારણ એ છે કે યોગી આદિત્યનાથે રાજ્યમાં જે વિકાસ કાર્યો કર્યા છે તે અજોડ છે. જનતા વિકાસ ઈચ્છે છે અને અમને ચૂંટવામાં પણ એટલા માટે આવ્યા છે કે અમે લોકો માટે કામ કરી શકીએ. તેથી અમે એવી સરકારની સાથે ઊભા રહેવાનું નક્કી કર્યું છે જેણે જમીની સ્તર પર વિકાસ કરીને બતાવ્યો છે."

વિનોદ ચતુર્વેદીના પક્ષપલટાથી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને સંગઠનાત્મક સ્તરે મોટો ફટકો પડ્યો છે, જ્યારે ભાજપે આ જોડાણથી પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

આ સમાચાર શેર કરો