મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નશા વિરોધી કાર્યકર્તાની હત્યાથી પંજાબ સળગ્યું! આરોપી અશ્વિનીની દુકાન પર ઉશ્કેરાયેલા લોકોનો હુમલો

પંજાબના માનસામાં જાણીતા નશા વિરોધી કાર્યકર્તા (Anti-drug activist) પરવિંદર સિંહ ઝોટાની ઘાતકી હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઝોટાની હત્યાના વિરોધમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ મુખ્ય આરોપી અશ્વિનીની દુકાનને આગ ચાંપી દીધી છે.

ઘટનાની વિગતો મુજબ, પરવિંદર સિંહ ઝોટા લાંબા સમયથી વિસ્તારમાં નશાના કારોબાર સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. ગઈકાલે આરોપી અશ્વિનીએ તેમની પર ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ આરોપી અશ્વિનીની દુકાન પર પહોંચી તોડફોડ કરી હતી અને ત્યારબાદ તેને આગને હવાલે કરી દીધી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. પોલીસે હત્યા અને આગચંપી બંને મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો