પીડિતા સાથે છેલ્લે ડિનર કરનારા સાથી ડોક્ટરને CBIએ પૂછ્યા આ સવાલ
કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલે સીબીઆઈએ ગઈકાલે બપોરે પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની લાંબી પૂછપરછ કરી હતી. CBI એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સંદીપ ઘોષ ઘટનાની રાત્રે ક્યાં હતો.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓએ પીડિતાના ત્રણ સાથી ડૉક્ટરોની પૂછપરછ કરી છે, ઘટના અંગે તેઓને કોઈ ખ્યાલ હતો? પીડિતા ડોક્ટર સાથે ડિનર કર્યું ત્યારે શું થયું? વગેરે સવાલોના જવાબો નોંધ્યા હતા. CBI એ પણ પૂછપરછ કરી કે છેલ્લો વ્યક્તિ કોણ હતો, જેણે તે રાત્રે યુવતીને જોઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા મહિલા ડોક્ટર અને તેના મિત્રોએ રાત્રે લગભગ 12 વાગે ખાવાનો ઓર્ડર આપ્યો હતો. આ ફૂડનો ઓર્ડર ઓનલાઈન એપ દ્વારા કરવામાં આવ્યો હતો. કોલકાતા પોલીસે આ ડિલિવરી બોયનું નિવેદન પણ નોંધ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, પીડિતાએ ભોજન લીધાના 3થી 4 કલાક બાદ મોત થયું હતું. સીબીઆઈએ એ ચાર ડોક્ટરોના નિવેદન પણ નોંધ્યા છે જેમણે રાત્રે પીડિતા સાથે ડિનર કર્યું હતું.
સીબીઆઈ એવા ઘણા લોકોના નિવેદનો રેકોર્ડ કરી રહી છે જેઓ પીડિતા સાથે સીધા સંકળાયેલા હતા અને ઘટના પહેલા તેને મળ્યા હતા. સીબીઆઈ સંજય રાયના મોબાઈલ ફોનની વિગતો પણ તપાસી રહી છે. તેના મોબાઈલ લોકેશનને ટ્રેસ કરીને ઘટનાની રાત્રિની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે આરોપી સંજય રાય ગુરુવારે રાત્રે લગભગ 11:00 વાગ્યે હોસ્પિટલમાં આવે છે. હોસ્પિટલ પહોંચ્યા પછી લગભગ 30 મિનિટ સુધી ત્યાં જ હોય છે. આ 30 મિનિટ દરમિયાન હોસ્પિટલમાં આરોપી સંજય રાયની હિલચાલ દેખાઈ રહી છે. આ પછી મોડી રાત્રે 3:45 થી 3:50ની વચ્ચે હોસ્પિટલમાં આવે છે અને સેમિનાર રૂમની અંદર જતો જોવા મળે છે. લગભગ 35 મિનિટ પછી તે સેમિનાર રૂમમાંથી બહાર આવે છે.








