મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"પરમિન્દર ઝોટાના મોતના જવાબદાર કોણ? માત્ર કેજરીવાલ-માન સરકાર!" ભાજપના આક્ષેપથી માનસા હત્યાકાંડથી ગરમાયું પંજાબનું રાજકારણ

પંજાબના માનસામાં નશા વિરોધી કાર્યકર્તા (Anti-drug activist) પરમિન્દર સિંહ ઝોટાની થયેલી ઘાતકી હત્યાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. પંજાબ ભાજપના નેતા કેવલ સિંહ ઢિલ્લોંએ નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી હોવાનો દાવો કર્યો છે.

કેવલ સિંહ ઢિલ્લોંએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "ગઈકાલે માનસામાં બનેલી ઘટનાથી સમગ્ર પંજાબ સ્તબ્ધ છે. નશા વિરોધી કાર્યકર્તા પરમિન્દર ઝોટાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પંજાબમાં એક પણ દિવસ એવો જતો નથી જ્યારે લોકો પર ગોળીબાર થયો હોવાના કે હત્યાના સમાચાર સામે ન આવતા હોય. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે."

તેમણે ઉમેર્યું હતું કે, "પંજાબ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ સૌથી મોટી સમસ્યા ડ્રગ્સ અને નશાનું દૂષણ છે. ભાજપે આ વિરૂદ્ધ ચારેય દિશાઓમાંથી એક વિશાળ અભિયાન શરૂ કર્યું હતું, જેનું સમાપન જલંધરમાં ગૃહમંત્રી અમિત શાહની વિશાળ જનસભા સાથે થયું હતું. તેમણે લોકોને ખાતરી આપી હતી કે માત્ર ભાજપ જ આ સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના 'મન કી બાત' કાર્યક્રમમાં દેશમાંથી ડ્રગ્સ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે."

હત્યાની ઘટનાનો ઉલ્લેખ કરતાં ઢિલ્લોંએ જણાવ્યું કે, "પરમિન્દર ઝોટા એક એવી મેડિકલ/કેમિસ્ટ દુકાન બહાર ઊભા હતા જે નશીલી દવાઓના વેચાણ માટે જાણીતી છે. તેમણે એક વ્યક્તિને ત્યાંથી નશો ખરીદતાં રંગેહાથ પકડ્યો હતો અને એ જ સમયે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ માટે આખરે કોણ જવાબદાર છે? રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર જ આ સ્થિતિ માટે સંપૂર્ણપણે જવાબદાર છે."

આ સમાચાર શેર કરો