મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં રાણે બંધુઓ પણ સામસામે આવ્યા, ચૂંટણી પહેલા શિંદે- ભાજપ ગ્રૂપમાં ખેંચાતાણ

મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બરે યોજાનારી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીના માત્ર પાંચ દિવસ પહેલા, સત્તાધારી મહાયુત

મહારાષ્ટ્રમાં રાણે બંધુઓ પણ સામસામે આવ્યા, ચૂંટણી પહેલા શિંદે- ભાજપ ગ્રૂપમાં ખેંચાતાણ

મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બરે યોજાનારી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીના માત્ર પાંચ દિવસ પહેલા, સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં બે મહત્ત્વના પક્ષો વચ્ચે તકરાર વધી ગઈ છે. ગઠબંધનના બે મુખ્ય સાથી પક્ષો - શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી - વચ્ચેનો ખટરાગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને બંને પક્ષોના નેતાઓ એકબીજા પર ખુલ્લેઆમ આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ શાબ્દિક યુદ્ધમાં રાણે બંધુઓ પણ સામસામે આવી જતાં ગઠબંધનની અંદરનો તણાવ સ્પષ્ટપણે સપાટી પર આવી ગયો છે.

નીલેશ રાણેનું 'સ્ટિંગ' અને રોકડનો દાવો

શિવસેનાના ધારાસભ્ય અને નારાયણ રાણેના મોટા પુત્ર નીલેશ રાણેએ બુધવારે દાવો કર્યો કે તેમણે સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં ભાજપના કાર્યકર વિજય કેનવડકરના ઘરેથી મતદારોને વહેંચવા માટે રાખેલી રોકડ ભરેલી બેગ પકડી છે. તેમણે કહ્યું કે આ સ્ટિંગ ઓપરેશન તેમણે પોતે કર્યું છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. નીલેશે આ રોકડને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણના તાજેતરના કોંકણ પ્રવાસ સાથે જોડતા ગંભીર આરોપો લગાવ્યા.

રાણે vs રાણે: ભાઈ સામે ભાઈ મેદાનમાં

આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નાના પુત્ર અને ભાજપના કેબિનેટ મંત્રી નિતેશ રાણે પોતાના જ મોટા ભાઈના આરોપોના જવાબમાં મેદાનમાં ઉતર્યા. તેમણે કહ્યું, "વિજય ભાજપના કાર્યકર હોવાની સાથે એક વેપારી પણ છે. તેમના ઘરે રોકડ રાખવી એ શું ગુનો છે?" નિતેશે કડક ચેતવણી આપતા કહ્યું, "હમામ મેં સબ નંગે હૈ. રવીન્દ્ર ચવ્હાણ પર પાયાવિહોણા આરોપો લગાવીને શિવસેના ગંદી રાજનીતિ કરી રહી છે." ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે પણ કહ્યું કે, "હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને કારણે ધીરજ રાખી રહ્યો છું, ત્યારબાદ જડબાતોડ જવાબ આપીશ."

50 કરોડ લઈને પક્ષપલટાનો આરોપ

આ દરમિયાન, ભાજપના ધારાસભ્ય તાનાજી મુટકુલેએ આરોપ લગાવ્યો કે શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરે 2022માં શિંદે જૂથમાં જોડાવા માટે 50 કરોડ રૂપિયા ("50 બોક્સ")ની માંગણી કરી હતી. તેના જવાબમાં, સંતોષ બાંગરે મુટકુલે પર જાતીય સતામણીના કેસમાં પોતાના ડ્રાઈવરને ફસાવી દેવાનો વળતો આરોપ લગાવ્યો.

પોલીસ દરોડાનો આરોપ

શિવસેનાના એમએલસી હેમંત પાટિલે દાવો કર્યો કે હિંગોલી જિલ્લામાં સંતોષ બાંગરના ઘરે વહેલી સવારે પોલીસે દરોડો પાડ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ દરોડો ભાજપના ધારાસભ્યના દબાણમાં અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

આ તમામ આરોપ-પ્રત્યારોપ એવા સમયે થઈ રહ્યા છે જ્યારે મહાયુતિ ગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને પહેલેથી જ અસંતોષ હતો. હવે આ ખુલ્લો સંઘર્ષ ચૂંટણી પહેલાં ગઠબંધન માટે એક નવી અને મોટી મુસીબત બની ગયો છે, જ્યારે ચૂંટણી પંચે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

આ સમાચાર શેર કરો