તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ફરી એકવાર "ભાષાના વિવાદ"ને આપી હવા!
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ફરી એકવાર ભાષા ચર્ચાને વેગ આપ્યો છ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ફરી એકવાર ભાષા ચર્ચાને વેગ આપ્યો છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં હિન્દી ક્યારેય સ્વીકાર્ય નહીં હોય. તમિલનાડુમાં હિન્દી માટે કોઈ સ્થાન નથી, ક્યારેય નહોતું અને ક્યારેય રહેશે પણ નહીં.
સીએમ સ્ટાલિને કહ્યું કે, હિન્દીના વિરોધમાં ઘણા લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. તેઓ રાજ્યના "ભાષા શહીદો" છે, જેમણે હિન્દી સામે લાંબી લડાઈ લડી છે. અહીં આ ભાષા માટે કોઈ સ્થાન નથી.
સીએમ સ્ટાલિને શું કહ્યું?
ભાષા શહીદ દિવસ પર કાળા કપડા પહેરીને સીએમ સ્ટાલિને હિન્દી સામે ગર્જના કરી. તેમણે કહ્યું, "તમિલનાડુ એક એવું રાજ્ય છે જે પોતાની ભાષાને જીવની જેમ પ્રેમ કરે છે. અમે એક થયા છીએ અને હિન્દી ભાષા થોપવા સામે લડ્યા છીએ. જ્યારે પણ હિન્દીને બળજબરીથી આપણા પર લાદવામાં આવી છે, ત્યારે અમે હંમેશા તેની સામે સમાન તીવ્રતાથી અવાજ ઉઠાવ્યો છે."
સીએમ સ્ટાલિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, "અહીં હિન્દી માટે કોઈ સ્થાન નથી. ત્યારે નહીં, અત્યારે નહીં, અને ક્યારેય નહીં."
સીએમ સ્ટાલિને હિન્દી વિરુદ્ધના વિરોધ પ્રદર્શનનો એક નાનો વીડિયો શેર કર્યો. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સી.એન. અન્નાદુરાઈ અને એમ. કરુણાનિધિ પણ તેમાં જોઈ શકાય છે.
શહીદોને શ્રદ્ધાંજલિ આપી
સ્ટાલિને કહ્યું, "હું તમિલ માટે પોતાના જીવનું બલિદાન આપનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું. ભાષા માટેની આ લડાઈમાં કોઈ પોતાનો જીવ ગુમાવશે નહીં. તમિલ પ્રત્યેનો અમારો પ્રેમ ક્યારેય ખતમ થશે નહીં. અમે હંમેશા હિન્દીનો વિરોધ કરીશું."
ભાષા શહીદ દિવસ પર, મુખ્યમંત્રી સ્ટાલિને થલામુથુ અને નટારસનના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે શહેરમાં ચેન્નાઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (CMDA) બિલ્ડિંગ ખાતે તેમની પ્રતિમાઓનું પણ અનાવરણ કર્યું. થલામુથુ અને નટારસને 1964-65માં હિન્દી ભાષાનો વિરોધ કરતા પોતાના જીવનું બલિદાન આપ્યું.
તમિલનાડુમાં હિન્દીનો વિરોધ
નોંધનિય છે કે દક્ષિણ રાજ્યોમાં બે ભાષા ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. તમિલનાડુમાં તમિલ અને અંગ્રેજી શીખવવામાં આવે છે. જોકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ત્રણ-પાંખી ભાષા સૂત્ર રજૂ કરે છે, જેમાં હિન્દી, અંગ્રેજી અને માતૃભાષાનો સમાવેશ થાય છે. NEP ના અમલીકરણ પછી, શાસક પક્ષ, DMK, સરકાર પર બળજબરીથી હિન્દી લાદવાનો આરોપ લગાવી રહ્યું છે.








