મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કૂતરા ડર પારખી જાય છે', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમમાં સતત બીજા દિવસે અઢી કલાક સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા (Stray Dogs) સાથે જોડાયેલા કેસમાં ગુરુવારે સતત બીજા દિવસે

'કૂતરા ડર પારખી જાય છે', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમમાં સતત બીજા દિવસે અઢી કલાક સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા (Stray Dogs) સાથે જોડાયેલા કેસમાં ગુરુવારે સતત બીજા દિવસે અઢી કલાક સુધી લાંબી ચર્ચા ચાલી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ અને વકીલો વચ્ચે શ્વાનના સ્વભાવ અને તેનાથી થતી સમસ્યાઓ અંગે રસપ્રદ દલીલો જોવા મળી હતી.

કૂતરા ડર પારખી જાય છે: જસ્ટિસ નાથ

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે અવલોકન કર્યું કે, 'કૂતરા માણસનો ડર પારખી જાય છે અને એટલે જ કરડે છે.' જ્યારે કૂતરાના પક્ષમાં દલીલ કરી રહેલા વકીલે આ વાતનો ઇન્કાર કર્યો, ત્યારે જસ્ટિસે વળતો જવાબ આપ્યો કે, 'તમારું માથું ન ધુણાવો, આ વાત હું મારા અંગત અનુભવ પરથી કહી રહ્યો છું.'

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ: દેશમાં માત્ર 5 સરકારી શેલ્ટર

વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે રાજ્યો દ્વારા આપેલા આંકડામાં ક્યાંય સ્પષ્ટતા નથી કે નગર પાલિકાઓ કેટલા શેલ્ટર હોમ ચલાવે છે. તેમણે જણાવ્યું કે દેશમાં માત્ર 5 સરકારી શેલ્ટર છે, જેની ક્ષમતા માત્ર 100 કૂતરાની છે. આ સમસ્યા ઉકેલવા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે.

કૂતરા હટશે તો ઉંદર વધશે... વિચિત્ર દલીલ અને કોર્ટનો જવાબ

એનિમલ વેલ્ફેર તરફથી દલીલ કરતાં વકીલ સી. યુ. સિંહે કૂતરાને શેલ્ટર હોમમાં મોકલવાનો વિરોધ કરતાં કહ્યું કે, જો કૂતરા હટાવવામાં આવશે તો ઉંદરોની વસ્તી વધી જશે. આ સાંભળીને કોર્ટે રમૂજી અંદાજમાં પૂછ્યું, 'તો શું આપણે ઉંદરો રોકવા બિલાડીઓ લઈ આવીએ?' જસ્ટિસ મહેતાએ ઉમેર્યું કે કૂતરા અને બિલાડીઓ દુશ્મન હોય છે, તો શું આપણે બિલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ?

સુનાવણીના 5 મુખ્ય મુદ્દાઓ:

જવાબદારી કોની?

અરજદારના વકીલે કહ્યું કે પાળતુ કૂતરાનો માલિક હોય છે, પણ રખડતા કૂતરાની કોઈ જવાબદારી લેતું નથી. ABC (Animal Birth Control) નિયમો એવા હોવા જોઈએ કે સામાન્ય નાગરિક રસ્તા પર સુરક્ષિત ચાલી શકે.

રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા

કોર્ટને વિનંતી કરવામાં આવી કે માત્ર હૉસ્પિટલ કે સ્કૂલ જ નહીં, પણ રહેણાક વિસ્તારોમાંથી પણ કૂતરા હટાવવા જોઈએ. કૂતરાનું કાઉન્સેલિંગ શક્ય નથી, પણ તેના માલિક કે ખવડાવનારને સમજાવી શકાય છે.

ગણતરી જરૂરી

દિલ્હીમાં છેલ્લે 2009માં ગણતરી થઈ ત્યારે 5.60 લાખ કૂતરા હતા. જ્યાં સુધી ચોક્કસ આંકડો અને શેલ્ટર હોમની ક્ષમતા ખબર ન હોય, ત્યાં સુધી તેમને ક્યાં રાખવા તે મોટો પ્રશ્ન છે.

ડિપોઝિટની શરત

ડોગ લવર્સ અને NGO માટે પિટિશન ફાઇલ કરવા માટે નક્કી કરેલી રકમ જમા કરાવવાની શરત હટાવવાની માંગ પર કોર્ટે મજાકમાં કહ્યું, 'જો આ શરત ન હોત, તો અમારે અહીં પંડાલ લગાવવો પડત.'

નિયમોનું પાલન

કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે દરેક કૂતરા રસ્તા પરથી હટાવવાનો આદેશ નથી આપ્યો, પરંતુ તેમની સાથે નિયમો મુજબ વ્યવહાર થવો જોઈએ.

નોંધનીય છે કે ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે શાળાઓ, હૉસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાને હટાવી શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો