મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અલ્હાબાદ હાઈકોર્ટના જજને સુપ્રીમ કોર્ટે આપી રાહત, પોતાનો આદેશ પાછો ખેંચ્યો

સુપ્રીમ કોર્ટે થોડા દિવસોમાં જ અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ પ્રશાંત કુમાર વિરુદ્ધ જારી કરાયેલો આદે

અલ્હાબાદ હાઈકોર્ટના જજને સુપ્રીમ કોર્ટે આપી રાહત, પોતાનો આદેશ પાછો ખેંચ્યો

સુપ્રીમ કોર્ટે થોડા દિવસોમાં જ અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ પ્રશાંત કુમાર વિરુદ્ધ જારી કરાયેલો આદેશ પાછો ખેંચી લીધો છે. હાઈકોર્ટના આદેશનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટે જજને ફોજદારી કેસોની સુનાવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 4 ઓગસ્ટના રોજ જારી કરાયેલા આદેશમાં જસ્ટિસ પ્રશાંત કુમારને વરિષ્ઠ ન્યાયાધીશ સાથે બેસવાની પણ ના પાડી હતી.

જસ્ટિસ કુમાર દ્વારા જારી કરાયેલા આદેશ પર સવાલ ઉઠાવ્યા 

મળતી માહિતી મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશના અનુરોધ પછી સુપ્રીમ કોર્ટેની બેંચે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે એક કેસમાં જસ્ટિસ કુમાર દ્વારા જારી કરાયેલા આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. બેન્ચે તે આદેશને 'સૌથી ખરાબ' પણ ગણાવ્યો હતો.

બેન્ચે કહ્યું કે, 'અમને CJI તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં અગાઉ જારી કરાયેલા આદેશ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે.' વધુમાં કહેવામાં આવ્યું હતું કે, 'અમે આદેશ રદ કર્યો છે અને કેસને નવી સુનાવણી માટે હાઈકોર્ટમાં પાછો મોકલી દીધો છે.'

હાઈકોર્ટના ન્યાયાધીશોએ પ્રશ્નો ઉઠાવ્યા 

અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશોના એક જૂથે જસ્ટિસ કુમારને લક્ષ્ય બનાવનારા સુપ્રીમ કોર્ટના હાલના આદેશ અંગે મુખ્ય ન્યાયાધીશ અરુણ ભાસાલીને પૂર્ણ બેઠક બોલાવવા વિનંતી કરી છે. અહેવાલ છે કે ન્યાયાધીશ અરિંદમ સિંહા દ્વારા 4 ઓગસ્ટના રોજ લખાયેલા આ પત્રમાં આદેશ પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેના પર 7 ન્યાયાધીશોએ સહી કરી હતી.

શું મામલો હતો

સુપ્રીમ કોર્ટની બેન્ચે મેસર્સ શિખર કેમિકલ્સ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ કુમાર વિરુદ્ધ આદેશ જારી કર્યો હતો. કંપનીએ નાણાકીય વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

થોડા દિવસો પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે કંપનીની અરજી ફગાવી દીધી હતી. જજ પ્રશાંત કુમારે કહ્યું હતું કે ફરિયાદીને નાગરિક ઉપાયોનો આશરો લેવા દબાણ કરવું 'ખૂબ જ અન્યાયી' હશે અને બાકી રકમ વસૂલવા માટે ફોજદારી કાર્યવાહીની મંજૂરી આપી શકાય છે.

સુપ્રીમ કોર્ટે આ દલીલને ઉલટાવતા કહ્યું કે , 'આ આદેશના પેરા 12માં સમાવિષ્ટ તર્કથી અમને આશ્ચર્ય થયું છે. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે ફરિયાદીને સિવિલ દાવો દાખલ કરવા કહેવું ખૂબ જ અન્યાયી હશે. કારણ કે સિવિલ દાવામાં ઘણો સમય લાગે છે. ફરિયાદીને બાકી રકમ વસૂલવા માટે ફોજદારી દાવો દાખલ કરવાની મંજૂરી આપી શકાય છે.'

આ સમાચાર શેર કરો