પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલના અચાનક રાજીનામાથી તર્ક-વિતર્ક
પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે રાજીનામું આપી દીધું છે. ત્રણ વર્ષનો

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે રાજીનામું આપી દીધું છે. ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલા એટલે કે માત્ર દોઢ વર્ષ પછી રાજીનામું આપવાના તેમના નિર્ણયથી અટકળો શરૂ થઈ ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેમનું રાજીનામું સ્વીકારી લઈ તેમને ઔપચારિક રીતે ફરજોમાંથી મુક્ત કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સેહગલે મંગળવારે તેમનું રાજીનામું સુપરત કર્યું હતું.
ઉત્તર પ્રદેશ કેડરના 1988 બેચના IAS અધિકારી સેહગલને માર્ચ 2024 માં પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક પહેલાં અર્થાત એ.સૂર્ય પ્રકાશે ફેબ્રુઆરી 2020 કાર્યકાળ પૂરો કર્યા પછી આ પદ ત્રણ વર્ષ સુધી ખાલી રહ્યું હતું. લોકસભાની ચૂંટણીના થોડા અઠવાડિયા અગાઉ સેહગલની પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિમણૂક થઈ હતી.
પ્રસાર ભારતીની વેબસાઇટ અનુસાર, સેહગલને કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ બંને સ્તરે નીતિગત સુધારા અને મોટા વિભાગોના સંચાલનમાં 35 વર્ષથી વધુનો અનુભવ છે. વેબસાઇટ તેમની "પ્રતિષ્ઠિત સેવા" અને વિવિધ જવાબદાર ભૂમિકાઓનો ઉલ્લેખ કરે છે.
પ્રસાર ભારતીમાં જોડાતા પહેલા સેહગલે ઉત્તર પ્રદેશ સરકારના જનસંપર્ક અને રમતગમત વિભાગના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. તેમને ઉદ્યોગપતિઓ, ફિલ્મ હસ્તીઓ અને રમતગમત સંગઠનો સાથે ગાઢ સંબંધો ધરાવતા અધિકારી માનવામાં આવે છે. પીએમઓ સાથે પણ નજીકથી કામ કર્યું હોવાનું કહેવાય છે.
સેહગલની પસંદગી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની અધ્યક્ષતામાં બનેલી ત્રણ સભ્યોની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સમિતિમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રંજન પ્રકાશ દેસાઈ અને રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્યનો પણ સમાવેશ થતો હતો.








