Video: 'નો પીયુસી, નો ફ્યુઅલ' નિયમનું જનપથ પેટ્રોલ પંપ પર કડક અમલીકરણ!

દિલ્હીમાં પ્રદૂષણ સામે તંત્રનો આકરો પ્રહાર
'નો પીયુસી, નો ફ્યુઅલ' નિયમનું જનપથ પેટ્રોલ પંપ પર કડક અમલીકરણ!
હવે પીયુસી વગર વાહનમાં ઇંધણ નહીં મળે
દેશની રાજધાની દિલ્હીમાં હવાના સ્તર અને વધતા જતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં નો પીયુસી, નો ફ્યુઅલ નિયમનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત જો કોઈ વાહનચાલક પાસે માન્ય પીયુસી સર્ટિફિકેટ નહીં હોય તો તેને દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે નહીં. જનપથ સ્થિત પેટ્રોલ પંપ પરથી સામે આવેલા દ્રશ્યોમાં આ નિયમનું પાલન કરાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વ્યવસ્થાને સુચારૂ રૂપે ચલાવવા માટે દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પેટ્રોલ પંપો પર હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પંપના એન્ટ્રી પોઇન્ટ પર ખાસ પ્રકારના એઆઈ કેમેરા, સ્પીકર અને માઇક સિસ્ટમ બેસાડવામાં આવી છે. જેમ જ કોઈ વાહન પેટ્રોલ પંપમાં પ્રવેશ કરે છે, કે તરત જ આ સિસ્ટમ વાહનની નંબર પ્લેટને સ્કેન કરીને ઓનલાઈન ડેટાબેઝમાંથી તેનું પીયુસી સ્ટેટસ ચકાસી લે છે. જો વાહનનું પીયુસી એક્સપાયર થઈ ગયું હોય, તો સિસ્ટમ તુરંત જ ઓટોમેટિક એનાઉન્સમેન્ટ કરીને તેની જાણ પંપ કર્મચારીઓને કરી દે છે.
કેમેરા અને સ્કેનર સિસ્ટમ દ્વારા પેટ્રોલ પંપ પર વાહનોની થઈ રહી છે ઓટોમેટિક ચકાસણી!
પ્રદૂષણ મુક્ત દિલ્હી માટે વાહનચાલકોએ નિયમોનું પાલન કરવું થશે અનિવાર્ય!
પેટ્રોલ પંપના મેનેજર અને કર્મચારીઓએ જણાવ્યા મુજબ, આ સિસ્ટમ સતત ૨૪ કલાક સક્રિય રહે છે. જ્યારે પણ સિસ્ટમમાંથી પીયુસી ન હોવાની સૂચના મળે છે, ત્યારે પંપના કર્મચારીઓ તે વાહનમાં ઇંધણ ભરવાની સખત મનાઈ કરી દે છે. વાહનચાલક જ્યારે ઓન-ધ-સ્પોટ અથવા નજીકના સેન્ટર પરથી પીયુસી સર્ટિફિકેટ મેળવીને બતાવે છે, ત્યારબાદ જ તેને ફ્યુઅલ આપવામાં આવે છે. આ કડક અમલવારીને કારણે હવે વાહનચાલકો પણ પોતાના વાહનોનું નિયમિત પીયુસી કરાવવા માટે જાગૃત બની રહ્યા છે. દિલ્હી સરકાર અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો આ નિર્ણય રાજધાનીમાં ઝેરી બની રહેલી હવાની ગુણવત્તા સુધારવા માટે અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. વાહનોમાંથી નીકળતા પ્રદૂષણને અટકાવવા માટે આવી ટેકનિકલ અને કડક સિસ્ટમ સમયની માંગ છે. જો દેશના અન્ય પ્રદૂષિત શહેરોમાં પણ આ પ્રકારની 'નો પીયુસી, નો ફ્યુઅલ' નીતિ અપનાવવામાં આવે તો વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યા પર મોટા પાયે કાબૂ મેળવી શકાય તેમ છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી













