મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો થઈ વાયરલ

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કૈલાશ જોશીના પુત્ર અને શિવરાજ સરકારમાં મંત્રી

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો થઈ વાયરલ

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કૈલાશ જોશીના પુત્ર અને શિવરાજ સરકારમાં મંત્રી પદ ભોગવી ચુકેલા 63 વર્ષિય દીપક જોશીએ મહિલા કોંગ્રેસના પૂર્વ સચિવ 43 વર્ષિય પલ્લવી રાજ સક્સેના સાથે લગ્ન કર્યા છે. બંનેએ આર્ય સમાજ મંદિરમાં ચાર ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હોવાની તસવીરો સામે આવી છે. પલ્લવીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી નાખી છે. કોંગ્રેસના નેતા બૃજેન્દ્ર શુક્લાએ દીપક જોશીના લગ્નની તસવીરો શેર કરીને અભિનંદન આપ્યા છે.

દીપકે બે-ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચા

દીપક જોશીએ વધુ બે મહિલા સાથે પણ લગ્ન કર્યા હોવાની ચર્ચા છે. આમાંથી બે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. પલ્લવી પહેલા નમ્રતા જોશી અને શિખા જોશી (મિત્રા)એ દીપકને પોતાના પત્ની ગણાવ્યા હતા. નમ્રતાએ દાવો કર્યો છે કે, તે દીપકની પત્ની છે અને તેમની સાથે ઘરમાં રહે છે. જ્યારે શિખાએ દાવો કર્યો છે કે, તેણે 2016માં દીપક સાથે લગ્ય કર્યા હતા. દીપકની પ્રથમ પત્નીનું વિજયા છે, જેમનું 2021માં કોરોનાના કારણે નિધન થયું હતું. હવે તેમણે પલ્લવી રાજ સક્સેના (Pallaviraj Saxena) સાથે લગ્ન કર્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

દીપક જોશીએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ દીપક જોશીએ કહ્યું કે, તેઓ જે પરિવારના છે, તે પરિવારની સામાજિક અને પારિવારિક પ્રતિષ્ઠા ઘણી ઊંચી છે. જે બે મહિલાઓની ચર્ચા થઈ રહી છે, તેમાંથી એક મહિલાએ લગ્ન થયા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જ્યારે કેટલાક મામલા કોર્ટમાં ચાલી રહ્યા છે, તેથી આ મામલે જાહેરમાં પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી.

હું દોષીત હોઈશ તો કોર્ટ દોષી ઠેરવશે : દીપક જોશી

જોશીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, "આપણાથી ભૂલો થઈ છે, પરંતુ વિશ્વાસઘાત નથી કર્યો. જો ભૂલ હોય તો પ્રાયશ્ચિત પણ છે. જો હું દોષીત હોઈશ તો ભારતીય કાયદો મને દોષી ઠેરવશે અને જો નિર્દોશ હોઈશ તો કોર્ટ રાહત આપશે."

આ સમાચાર શેર કરો