ભાજપ આજના સમયના 'નવા અંગ્રેજો', 2027માં પરિવર્તન નક્કી, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો હુંકાર
change is certain in 2027, Congress shouts in central Gujarat | ગુજરાતમાં સત્તાધારી ભાજપ સરકારની નીતિઓ અને વહીવટી નિષ્ફળતા સામે જનતાનો અવાજ બુલંદ કરવા ગુજરાત

ગુજરાતમાં સત્તાધારી ભાજપ સરકારની નીતિઓ અને વહીવટી નિષ્ફળતા સામે જનતાનો અવાજ બુલંદ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે હવે મધ્ય ગુજરાતને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આજથી 'જન આક્રોશ યાત્રા'ના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 6 જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભ્રમણ કરશે.
અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાત આજે ભાજપની ડબલ એન્જિન સરકારની જનવિરોધી નીતિઓથી ત્રસ્ત છે. આ યાત્રા જનતાની પીડા અને આક્રોશને વાચા આપવા માટે છે." તેમણે આ યાત્રાને માત્ર એક પ્રવાસ નહીં પરંતુ 2027માં પરિવર્તનનો શંખનાદ ગણાવ્યો હતો. અમિત ચાવડાએ રાજ્યમાં વધતી જતી બેરોજગારી અને નશીલા દ્રવ્યોના પ્રસાર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, યુવાનો ડિગ્રીઓ લઈને ફરે છે પણ રોજગાર મળતો નથી. સરકારે રોજગાર કે શિક્ષણ માટે એક પણ મજબૂત કાયદો બનાવ્યો નથી. ગુજરાતનું યુવાધન આજે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે, જેના માટે સરકારની નિષ્ફળતા જવાબદાર છે. મનરેગા જેવી યોજનાઓમાં વ્યાપક કૌભાંડો જોવા મળે છે અને હજારો મજૂરોને તેમના હકનો અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોની સ્થિતિ અંગે બોલતા તેમણે કહ્યું કે, મોસાળમાં મા પીરસનારી હોય તો પણ આજે રાજ્યની જનતા ભૂખી છે તેવી સ્થિતિ છે."
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, કેન્દ્રમાં જ્યારે UPA સરકાર હતી ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા હતા, પરંતુ હાલની સરકારમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની જોરદાર માંગ કરી છે. દૂધ ઉત્પાદકોને તેમની મહેનત મુજબ યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર ભાંગી રહ્યું છે.
ભરતસિંહ સોલંકીએ જનતાને સંબોધતા કહ્યું કે, "ભારતમાં લોકશાહી ખતમ કરીને સરમુખત્યારશાહી શરૂ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અગાઉ વિધાનસભામાં કહેતા હતા કે 'હું જ્યાં કોંગ્રેસને લઈ જવા માગું છું ત્યાં લઈ જઈશ', પરંતુ હવે જનતા તેમને પાઠ ભણાવવા તૈયાર છે." તેમણે અમિત શાહના '15 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તા' જાળવી રાખવાના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે, આ અહંકારી ભવિષ્યવાણી હવે ખોટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપની કાર્યશૈલી પર પ્રહાર કરતા સોલંકીએ તેને બ્રિટિશ શાસન સાથે સરખાવ્યું. તેમણે ભાજપને નવા અંગ્રેજો ગણાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસની સર્વગ્રાહી વિચારધારા જ ભાજપની ભાગલાવાદી વિચારધારાને હરાવશે. ગાંધીના ગુજરાતમાંથી આવતા નેતાઓ યોજનાઓમાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવી રહ્યા છે. સોલંકીએ ઉમેર્યું કે ગાંધીજીનું નેતૃત્વ સર્વોત્તમ હતું કારણ કે તેમણે દરેક સમાજ અને વર્ણને એકસાથે જોડ્યા હતા.





