કર્ણાટકમાં CM બદલવાની અટકળો ફરી એકવાર તેજ, ડિનર ટેબલ પર 30થી વધુ ધારાસભ્યોનો મેળાવડો
કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તન અંગે ફરી એકવાર અટકળો વધુ તીવ્ર બની છે. કર્ણાટકમાં મુખ્યમંત્

કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તન અંગે ફરી એકવાર અટકળો વધુ તીવ્ર બની છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા ઝઘડા વચ્ચે 30થી વધુ ધારાસભ્યો એક ડિનર ટેબલ પર ભેગા થતાં ફરી એકવાર અટકળોને વેગ આપ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ટેકો આપતા ધારાસભ્યોએ બુધવારે રાત્રે બેલાગવીમાં વરિષ્ઠ જાહેર બાંધકામ મંત્રી સતીશ જરકીહોલી દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને વિધાનસભા પરિષદના સભ્ય યતીન્દ્ર સિદ્ધારમૈયા અને ધારાસભ્ય કે.એન. રાજન્ના સહિત 30થી વધુ ધારાસભ્યોએ આ સભામાં હાજરી આપી હતી. જોકે, સ્વાસ્થ્યના કારણોસર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતે હાજર રહી શક્યા ન હતા.
જાહેર બાંધકા મંત્રી સતીશ જરકીહોલીએ રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ બેઠકને નિયમિત સામાજિક મેળાવડો ગણાવી હતી, પરંતુ હાજરી આપનારા ઘણા ધારાસભ્યોએ સંકેત આપ્યો હતો કે રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નજીકના ગણાતા કે.એન.રાજન્નાએ પુષ્ટિ આપી હતી કે પાર્ટીની વ્યૂહરચના અને નેતૃત્વ સંબંધિત બાબતો ચર્ચાનો ભાગ હતી.
તેમણે એ વાત ઉપર ભાર મુક્યો કે, આવી બેઠકો ફક્ત સામાજિક મેળાવડા ઉપરાંત ઘણા હેતુઓ પૂરા કરે છે. આ રાત્રિભોજન નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમના એક સપ્તાહ પછી યોજાયો હતો. એનાથી રાજ્ય કોંગ્રેસમાં સ્પષ્ટ જૂથવાદ અને અલ અલગ ધ્રુવીકરણનો ખુલાસો થયો છે. કર્ણાટક કોંગ્રેસ સરકાર 20 નવેમ્બરેના રોજ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી નેતૃત્વ પરિવર્તનની સંભાવનાઓએ જોર પકડ્યું છે. જે હજુ સમાયું નથી.
સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે 2023માં સત્તા વહેંચણી કરારના અહેવાલો ફરતા થયા છે, જોકે બંને નેતાઓએ તાજેતરમાં પાર્ટી હાઇકમાન્ડના નિર્દેશને અનુસરીને એકબીજાના નિવાસસ્થાને મળ્યા હતા. જે સિદ્ધારમૈયાના મુખ્યમંત્રીપદના ચાલુ રહેવા અને નેતૃત્વના ઝઘડામાં કામચલાઉ વિરામનો સંકેત આપે છે.
ધારાસભ્ય રાજન્નાએ સંભવિત મંત્રીમંડળ વિસ્તરણમાં વાલ્મિકી (અનુસૂચિત જનજાતિ) સમુદાયના પર્યાપ્ત પ્રતિનિધિત્વની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે તેઓ મંત્રીમંડળમાં પોતાની સંભાવનાઓ વિશે ચિંતિત નથી. ભાજપ દ્વારા સિદ્ધારમૈયાને વિદાય લેતા મુખ્યમંત્રી ગણાવવાના જવાબમાં યતીન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું કે આવી ટીકાઓ લાંબા સમયથી ચાલી રહી છે અને તેનું કોઈ ખાસ મહત્ત્વ નથી. કોંગ્રેસના સૂત્રો કહે છે કે, સત્ર દરમિયાન આવી બેઠકો સામાન્ય છે પરંતુ તે પાર્ટીના ધારાસભ્યોમાં આંતરિક સમીકરણો અને વફાદારી દર્શાવે છે.








