મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફ્રાંસના રાજદૂત પણ બચી ના શક્યા, ચાંદની ચોકની ભીડમાં ચોરાઈ ગયો મોબાઈલ

દિલ્હીનો ચાંદની ચોક આખી દુનિયામાં પ્રખ્યાત છે. દુનિયાભરમાંથી દિલ્હી ફરવા આવનારા ચાંદની ચોકની

ફ્રાંસના રાજદૂત પણ બચી ના શક્યા, ચાંદની ચોકની ભીડમાં ચોરાઈ ગયો મોબાઈલ

દિલ્હીનો ચાંદની ચોક આખી દુનિયામાં પ્રખ્યાત છે. દુનિયાભરમાંથી દિલ્હી ફરવા આવનારા ચાંદની ચોકની મુલાકાત ન લે તો તેની યાત્રા અધુરી ગણાય. ચાંદની ચોકનું બજાર કપડાની સાથે ખાણીપીણીની વસ્તુઓ માટે પણ જાણીતું છે. ચાંદની ચોક માર્કેટમાં કાયમ ભારે ભીડ જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા ફ્રાન્સના રાજદૂત થિયરી મથાઉ તેમના પત્ની સાથે ચાંદની ચોક માર્કેટની મુલાકાતે ગયા હતા. ચાંદની ચોકની ભીડમાં તેમનો ફોન ચોરાઈ ગયો હતો. એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, ફ્રેન્ચ રાજદૂતના ફોનની ચોરીના સંબંધમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ એક વર્ષમાં 1100 ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઇટમાં ભારત પરત મોકલ્યા, જાણો શું છે કારણ

ભારત સ્થિત ફ્રેન્ચ રાજદૂત થિયરી મથાઉ દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં આવેલા જૈન મંદિરે ગયા હતા. આ દરમિયાન તેમનો ફોન ચાંદની ચોક પાસે ક્યાંક ચોરાઈ ગયો હતો. ફ્રાન્સના રાજદૂત તેમની પત્ની સાથે 20 ઓક્ટોબરે ચાંદની ચોક માર્કેટમાં ફરવા ગયા હતા. એ સમયે ભીડભાડમાં તેમના ખિસ્સામાંથી કોઈએ ફોન ચોરી લીધો હતો. પોલીસને આ ચોરી અંગે 21 ઓક્ટોબરે માહિતી મળી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફ્રેન્ચ એમ્બેસીએ રાજદૂતના ફોનની ચોરી અંગે પોલીસને જાણ કરી હતી. આ મામલે ચાંદની ચોક પોલીસે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ચાર આરોપીઓની ધરપકડ

જોકે ચાંદની ચોક ગીચ વિસ્તાર છે. પરંતુ પોલીસે મોબાઈલ ચોરીના આરોપીને પકડી લીધો છે. ખરેખર, પોલીસે તપાસ માટે એક ટીમ બનાવી હતી. ટીમે ઘટનાસ્થળ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. 20થી 25 વર્ષની ઉંમરના ચાર આરોપીઓની ઓળખ કરીને પકડી લીધા. પોલીસે આરોપી પાસેથી ફ્રાન્સના રાજદૂતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ ચોરીને અંજામ આપનાર ચારેય છોકરાઓ ટ્રાન્સ-યમુના વિસ્તારના રહેવાસી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો