માઉન્ટ આબુમાં ઘાસ પર છવાઈ બરફની ચાદર, છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આ વર્ષે ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન સામાન્ય કરતાં ઘણું વહેલું થઈ ગયું છે. હવ

આ વર્ષે ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન સામાન્ય કરતાં ઘણું વહેલું થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2021 પછી પહેલી વાર ઉત્તર ભારતમાં તાપમાનમાં આટલો તીવ્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને, રાજસ્થાનના ઘણા ભાગોમાં પારો અચાનક ગગડી ગયો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું.
માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું
રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતુ. ગઈકાલે 17 નવેમ્બરના રોજ પણ અહીં ઝીરો ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આજે વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણું કરતા જોવા મળ્યા હતા. આબુ ખાતે ઘણી જગ્યાએ બરફની ચાદર છવાઈ હતી. દરમિયાન કાર પર, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર પથરાઈ હોવાનું સામે આવ્યું હતુ.
ગુરુ શિખર, નક્કી ઝીલ આસપાસની વિસ્તારમાં તાપમાન ઠંડુંગાર થયું હતુ. નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આવા વાતાવરણમાં લોકો ગરમા-ગરમ ચાની ચૂસતી લેતા જોવા મળ્યા હતા.
ઠંડીમાં ઠુંઠવાયું રાજસ્થાન
સોમવારે, રાજસ્થાનના 18 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું, જ્યારે ઘણા વિસ્તારોમાં તે 5 ડિગ્રી સુધી ઘટી ગયું હતુ. માઉન્ટ આબુ સૌથી વધુ પ્રભાવિત થયું હતું, જ્યાં નવેમ્બરમાં પહેલીવાર પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. હવામાન વિભાગના રેકોર્ડ દર્શાવે છે કે છેલ્લા 15 વર્ષમાં માઉન્ટ આબુમાં નવેમ્બરમાં ક્યારેય આટલા નીચા સ્તરે તાપમાન ઘટ્યું નથી.








