લગ્ન નહોતા કરવા એટલે પ્રેમી સાથે મળી મંગેતરને માર્યો, હત્યાના એક દિવસ પહેલાંનું CCTV આવ્યું સામે
યુવા બિઝનેસમેન ક

યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં હવે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીના CCTV ફૂટેજ હાથ લાગ્યા છે, જેનાથી સમગ્ર ભાંડો ફૂટી ગયો છે. આ ફૂટેજ કેતનની હત્યાના ઠીક એક દિવસ પહેલાંના છે. તેમાં સિયા અને ચેતન સાથે પુણેના એક કૅફેમાં જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં જ બેસીને તેઓએ કેતનને રસ્તામાંથી કેવી રીતે હટાવવો તેનું આખું પ્લાનિંગ કર્યું હતી. 1બીજા દિવસે તેને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
20 વર્ષીય સિયા ગોયલના લગ્ન આ જ વર્ષે નવેમ્બરમાં 26 વર્ષીય કેતન અગ્રવાલ સાથે થવાના હતા. બંનેની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી, પરંતુ સિયા આ લગ્ન માટે તૈયાર નહોતી. તેના પર પરિવારનું દબાણ હતું, જેના કારણે તે ના પાડી શકી નહોતી. તે પોતાના પ્રેમી ચેતન સાથે આગળ વધવા માંગતી હતી. આ બંનેની મુલાકાત ગયા વર્ષે દિવાળીના અવસરે થઈ હતી. ચેતનના પિતાની એક રાશનની દુકાન છે, જ્યારે કેતનની સંપત્તિ કરોડોમાં છે. સિયા અને ચેતન બંનેએ મળીને કેતનને પુણેના લોહગઢ કિલ્લા પરથી 4૦૦ ફૂટ નીચે ઊંડી ખીણમાં ધક્કો દઈને મારી નાખ્યો હતો.
સામે આવ્યા CCTV ફૂટેજ
હત્યાને અંજામ આપવાના ઠીક એક દિવસ પહેલાંના સીસીટીવી ફૂટેજમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી 'થર્ડ વેવ' નામના કૅફેમાં મળ્યા હતા અને બંને અંદાજે એક કલાક સુધી ત્યાં રોકાયા અને વાતચીત કરી હતી. સીસીટીવી ફૂટેજની શરૂઆતમાં બંને કૅફેના ગેટથી અંદર દાખલ થતા દેખાય છે. સિયાએ જીન્સ-ટોપ, જ્યારે ચેતને ટી-શર્ટ અને જીન્સ પહેરેલું હતું. સિયા અને ચેતન બંને ભીડભાડ વાળી જગ્યા છોડીને કૅફેમાં ખુલ્લી જગ્યા પર બેઠા અને સતત ચર્ચા કરતા રહ્યા. બંનેએ ખુરશીઓ ખૂબ નજીક રાખેલી હતી અને ગુપ્ત વાતચીત કરતા જોવા મળ્યા હતા.
કોઈ સાંભળી ન લે, એટલે એકાંતમાં પ્લાન બનાવતા રહ્યા
આ દરમિયાન બંનેએ કેતનને રસ્તામાંથી હટાવવાનું આખું ષડયંત્ર રચ્યું હતું. બંને એકાંતમાં વાતચીત કરી રહ્યા હતા. વીડિયોમાં ચેતન અને સિયાના હાવભાવ જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે બંને એવી ચર્ચા કરી રહ્યા છે, જે કોઈ અન્ય ન જાણી શકે કે ન સાંભળી શકે. વચમાં સિયાના ફોન પર કોઈનો કૉલ પણ આવે છે અને ત્યારબાદ તે ફરીથી ચેતન સાથે ચર્ચા કરવા લાગે છે. બંનેએ આ જ મીટિંગમાં કેતનને લોહગઢ ફોર્ટ પરથી કેવી રીતે ધક્કો મારીને મારી નાંખવો તેનું પ્લાનિંગ કર્યું હતું.
સિયાએ કેતનને ધક્કો મારીને મારી નાખવાના અગાઉ પણ ઘણી વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ દર વખતે તે નિષ્ફળ જતી અને કોઈ ને કોઈ બહાનું બનાવી દેતી. આખરે 18 જૂનના રોજ તેને સફળતા મળી ગઈ. તેણે અને ચેતને લોહગઢ કિલ્લા પરથી કેતનને નીચે ધક્કો મારી દીધો. શરૂઆતમાં તો આને માત્ર એક અકસ્માત માનવામાં આવ્યો અને એવું કહેવાયું કે પગ લપસી જવાને કારણે તેનો જીવ ગયો છે. પરિવારે પણ આ વાત સ્વીકારી લીધી હતી. સિયાએ ઈન્સ્ટાગ્રામ પર કેતન સાથેની સ્ટોરી પણ મૂકી હતી, જેમાં તે ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી.
જો કે, આખો મામલો ત્યારે ખુલ્યો જ્યારે કેતનની બહેને સિયા સાથે વાતચીત કરી અને કેટલાક સવાલો પૂછ્યા. આ સવાલો બાદ તેને શંકા ગઈ અને પોલીસના દ્વાર ખખડાવવામાં આવ્યા. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે અસલી હકીકત કંઈક જુદી જ બહાર આવી. પૂછપરછ, કૉલ રેકોર્ડિંગ વગેરે પરથી જાણવા મળ્યું કે કેતનને રસ્તામાંથી હટાવવા માટે સિયા અને તેના બોયફ્રેન્ડ ચેતને જ તેને ધક્કો માર્યો હતો.








