મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખેડૂત વિવાદ ઉકેલવા SCની સમિતિએ ખર્ચ્યા 5 કરોડ રૂપિયા, પંજાબ- હરિયાણાને મોકલી આપ્યું બિલ

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પંજાબ અને હરિયાણા સરકાર પાસેથી 2.5 કરોડ રૂપિયા

ખેડૂત વિવાદ ઉકેલવા SCની સમિતિએ ખર્ચ્યા 5 કરોડ રૂપિયા, પંજાબ- હરિયાણાને મોકલી આપ્યું બિલ

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પંજાબ અને હરિયાણા સરકાર પાસેથી 2.5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. હરિયાણા સરકારે આ રકમને મંજૂરી આપી દીધી છે, પરંતુ પંજાબ સરકારે હજુ સુધી તેના પર અંતિમ નિર્ણય લીધો નથી. આ સમિતિને શંભુ અને ખનૌરી સરહદો પર ખેડૂતોના આંદોલન અને કૃષિ સંકટનો ઉકેલ શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે.

એક અહેવાલ મુજબ પંજાબ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલો મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલયને મોકલવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, 2.5 કરોડ રૂપિયા ઘણી મોટી રકમ છે. તે વિભાગીય સ્તરે નક્કી કરી શકાય તેમ નથી. તેને મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે. જો કે, પ્રશ્ન એ છે કે આટલી મોટી રકમનું સમિતિ શું કરશે?"

સમિતિની રચના અને કાર્યક્ષેત્ર

2 સપ્ટેમ્બર, 2024 ના રોજ રચાયેલી આ સમિતિનું નેતૃત્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નવાબ સિંહ કરે છે. અન્ય સભ્યોમાં નિવૃત્ત IPS અધિકારી બીએસ સંધુ, કૃષિ નિષ્ણાત દેવિન્દર શર્મા, અર્થશાસ્ત્રી પ્રોફેસર રણજિત સિંહ ખુમ્માન અને પંજાબ રાજ્ય ખેડૂત અને કૃષિ કામદાર આયોગના અધ્યક્ષ સુખપાલ સિંહનો સમાવેશ થાય છે. આ સમિતિ હાલમાં હરિયાણાના પંચકુલામાં PWD રેસ્ટ હાઉસથી કાર્યરત છે અને ચંદીગઢમાં પંજાબ કિસાન ભવન અને હરિયાણા નિવાસ ખાતે બેઠકો યોજવામાં આવે છે.  

ભંડોળની જરૂરિયાત અને ઉપયોગ

રિપોર્ટ મુજબ સમિતિના એક સભ્યએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારોને સમિતિને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું, ટ્રાન્સપોર્ટેશન- વાહન ઉપરાંત ઇંધણ, સહાયક સ્ટાફ, સંશોધકો, ટાઇપિસ્ટ અને અન્ય સ્ટાફની જરૂર છે. નિષ્ણાતોને બોલાવવા તેમજ તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવા માટે પણ નાણાંની જરૂર છે. આ ખર્ચ સમિતિની સરળ કામગીરી માટે અનિવાર્ય છે. હરિયાણાના અધિકારીઓએ બેઠકમાં આ ખર્ચ સંપૂર્ણપણે ઉઠાવવાની ઓફર કરી હતી. પરંતુ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે,આ ખર્ચ બે રાજ્યો વચ્ચે 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

આ સમાચાર શેર કરો