VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી જવા રવાના, G-7 સમિટમાં ભાગ લેશે

ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર G-7 સમિટમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી ઈટાલી જવા રવાના થયા છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદીના નવા કાર્યકાળનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
ઈટાલીના અપુલિયા થશે શિખર સંમેલનનું આયોજન
50મી G-7 શિખર સંમેલન આ વખતે ઈટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયામાં 13 થી 15 જૂન સુધી યોજાશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે
વડાપ્રધાન મોદી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. ઇટાલી આ વર્ષે G-7 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઇટાલીના મતે, યુક્રેન પર રશિયાના આક્રમક યુદ્ધે વિશ્વમાં અસ્થિરતાને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે વિશ્વભરમાં અનેક કટોકટી પણ આવી છે. ઇટાલીના મતે, G-7 વૈશ્વિક એજન્ડા તરીકે મધ્ય પૂર્વના સંઘર્ષ અને તેના પરિણામોને સંપૂર્ણ મહત્ત્વ આપશે.
અમેરિકીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને વડાપ્રધાન મોદી ઈટાલીમાં યોજાનારી G-7 સમિટમાં એકબીજાને મળે તેવી શક્યતા છે. જો કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું શેડ્યૂલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

